Ahmedabad,તા.02
શહેરમાં નશાના કારોબાર સામે પોલીસે વધુ એક મોટી સફળતા મેળવી છે. અમદાવાદના નરોડા પંથકમાં આવેલા ગેટકો (GETCO) પાવર સ્ટેશન પાસેથી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને એક શંકાસ્પદ કારને આંતરી હતી. કારની તલાશી લેતાં તેમાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે 14 કરોડ (14.16 કરોડ)ની કિંમતનો મેથામ્ફેટામાઇન (MD) ડ્રગ્સનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો. આ મામલે પોલીસે મુંબઈના સાજીદ શેખ નામના શખ્સની ધરપકડ કરી છે, જે રાજસ્થાનના જયપુરથી આ ડ્રગ્સ લઈને ઘુસાડવાની પેરવીમાં હતો.
સ્થાનિક પોલીસ અને ઉચ્ચ એજન્સીઓને બાતમી મળી હતી કે, જયપુર તરફથી એક શખ્સ ડ્રગ્સનો મોટો જથ્થો લઈને અમદાવાદમાં સપ્લાય કરવા આવી રહ્યો છે. બાતમીના આધારે નરોડા ગેટકો પાવર સ્ટેશન નજીક નાકાબંધી કરીને વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા આરોપી સાજીદ શેખને કોર્ડન કરીને ઝડપી લેવાયો હતો. એફએસએલ (FSL)ના અધિકારીઓની હાજરીમાં કરાયેલી પ્રાથમિક તપાસમાં આ જથ્થો ઉચ્ચ ગુણવત્તાવાળો કેમિકલયુક્ત એમડી ડ્રગ્સ હોવાનું ક્ધફર્મ થયું હતું, જેનું કુલ વજન અને બજાર કિંમત 14 કરોડથી વધુ આંકવામાં આવી છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી સાજીદ શેખે ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે, તે આ ડ્રગ્સનો કરોડોનો જથ્થો રાજસ્થાનના જયપુર ખાતેથી એક અજાણ્યા વ્યક્તિ પાસેથી મેળવીને લાવ્યો હતો. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આ જથ્થો કોને ડિલિવર કરવાનો હતો અને આ નેટવર્ક પાછળ કયા મોટા ગજાના માથાઓ સંડોવાયેલા છે, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જયપુરના સપ્લાયરને ઝડપી પાડવા માટે પોલીસની એક વિશેષ ટીમ રાજસ્થાન રવાના કરવાની તજવીજ પણ હાથ ધરાઈ રહી છે.
પ્રાથમિક વિગતો મુજબ, આટલી મોટી માત્રામાં એમડી ડ્રગ્સ મેળવવા પાછળ આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય નાઇજીરિયન ડ્રગ માફિયા ગેંગનું કનેક્શન હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.
સામાન્ય રીતે દિલ્હી, જયપુર અને મુંબઈ જેવા મહાનગરોમાં સક્રિય નાઇજીરિયન પેડલરો મારફતે આ પ્રકારનું ડ્રગ્સ ભારતમાં સપ્લાય થતું હોય છે. પકડાયેલો આરોપી સાજીદ માત્ર એક કુરિયર (કેરિયર) તરીકે કામ કરતો હતો કે તે પોતે જ કોઈ મોટા સિન્ડિકેટનો ભાગ છે, તેની કડીઓ મેળવવા પોલીસ રિમાન્ડ મેળવવાની તજવીજ કરી રહી છે.

