Ahmedabad,તા.૨
મકરબામાં રહેતી યુવતીના ભાઇનો મિત્ર વારંવાર ઘરે આવતો હોવાથી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવક પરિણીત અને એક બાળકનો પિતા હોવા છતાં યુવતીને અપરિણીત હોવાનું કહીને લગ્નની લાલચે સંબંધ બાંધતો હતો. યુવતીને ગર્ભ રહી જતા આરોપીએ લગ્નના બહાના બતાવતા યુવતી પ્રેમીના ઘરે પહોંચી હતી. ત્યારે તે પરિણીત હોવાની સાથે એક બાળકનો પિતા હોવાનું સામે આવતા તેણે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
મકરબામાં રહેતી ૨૧ વર્ષીય યુવતીના ઘરે એકાદ વર્ષથી ભાઇનો મિત્ર ઘરે આવ જા કરતો હતો. જેથી વિજય બાવળીયા નામના યુવક સાથે યુવતીને પ્રેમ સંબંધ બંધાયો હતો. છ માસ પહેલા વિજય ઘરે આવ્યો ત્યારે તેણે લગ્નની લાલચ આપીને યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. જે બાદ અવાર નવાર ઘરે કોઇ ન હોય ત્યારે વિજય ઘરે આવીને લગ્નની લાલચ આપીને યુવતી સાથે વારંવાર સંબંધ બાંધતો હતો. ગત તા.૭ ફેબ્રુઆરીએ તે ફરી ઘરે આવ્યો હતો અને તેણે યુવતીની ના હોવા છતાં શરીર સંબંધ બાંધ્યો હતો. જે બાદ યુવતીને શારીરિક તકલીફ થતાં તેણે પ્રેગનેન્સી કિટથી તપાસ કરતા પોઝિટીવ રિપોર્ટ આવ્યો હતો.
તેણે વિજયને ગર્ભ રહ્યો હોવા બાબતે જાણ કરતા તેણે લગ્ન કરી લઇશું તેવો દિલાસો આપ્યો હતો. પરંતુ બાદમાં વિજયે લગ્ન માટે બહાના બતાવતા યુવતી તેના ઘરે ગઇ હતી. ત્યારે વિજય પરિણીત હોવાનું અને તેને એક બાળક પણ હોવાની જાણ થતાં યુવતીના પગ નીચેથી ધરતી ખસી ગઇ હતી. વિજયે ગર્ભપાત કરાવી નાખી લગ્નની મનાઇ કરતા આખરે યુવતીએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપી વિજય બાવળીયા (રહે. મકરબા)ની ધરપકડ કરી છે.

