New Delhi, તા.3
છેલ્લા બે-ત્રણ દિવસના આંધી વરસાદના અસ્થિર વાતાવરણને બાદ કરતા હીટવેવ તથા કાળઝાળ ગરમીનો સામનો કરતા ભારતીયો ચોમાસાની પ્રતિક્ષા કરી જ રહ્યા છે. આ વખતે ચોમાસામાં અલ-નીનો વિલન બનવાની આશંકા વ્યક્ત થઇ રહી છે જ જ્યારે વિશ્વ હવામાન સંગઠને એવી ચેતવણી ઉચ્ચારી છે કે જુનથી ઓગસ્ટ દરમિયાન અલનીનો ઉદ્ભવવાની સંભાવના વધીને 80 ટકા થઇ ગઇ છે.
વિશ્વ હવામાન સંસ્થાએ નવા રીપોર્ટમાં જાહેર કર્યું છે કે, અલનીનો ઝડપથી આકાર પામી રહ્યું છે અને વૈશ્વિક તાપમાન તથા વરસાદી પેટર્નને પ્રભાવિત કરે તેવું જોખમ વધી રહ્યું છે.
વૈશ્વિક એજન્સીની ચેતવણીને પગલે ભારતીય ચોમાસુ ઘણું નબળું હોવાનો ભય વધી જાય છે એટલું જ નહીં, ચાલુ જુન મહિનો નોર્મલ કરતા વધુ ગરમ રહેશે. જો કે હવામાન વિભાગે પણ ગત સપ્તાહે આ આગાહી કરી જ દીધી હતી.
કેન્દ્ર સરકારના માહિતગાર સુત્રોએ કહ્યું કે, અલનીનો ક્યારે ઉદ્ભવશે તેના સચોટ સમય હજુ કોઇ અનુમાન મુશ્કેલ છે. એટલું જ નહીં સર્વોચ્ચસ્તરની તાકાત વિશે પણ અસ્પષ્ટતા છે છતાં મોટા ભાગના હવામાન મોડલ એવું સુચવે છે કે અલનીનોની તાકાત ઓછામાં ઓછી નોંધપાત્ર તો હશે જ અને શક્તિશાળી પણ રહી શકે છે.
આ સિવાય તે નવેમ્બર મહિનો આવતા સુધી ચાલુ રહેવાની સંભાવના 90 ટકા છે. તેનો સીધો અર્થ એવો થાય છે કે ચોમાસાના મોટાભાગના સમયગાળામાં અલનીનોનો પ્રભાવ યથાવત રહી શકે છે.
વિશ્વ હવામાન સંગઠનના સેક્રેટરી જનરલ કેલેસ્ટી સૌલોએ કહ્યું કે, શક્તિશાળી અલનીનો સામે તૈયાર રહેવું પડશે. ગંભીર દુષ્કાળ કે જબરદસ્ત વરસાદ અથવા પ્રચંડ હીટવેવ જેવા જુદા-જુદા ઘટનાક્રમો સર્જાય શકે છે. 2023-24માં સર્જાયેલ અલનીનો ઇતિહાસના સૌથી શક્તિશાળી પાંચમાંથી એક હતું અને જ્યારે વિશ્વસ્તરે ગરમી-ઉંચા તાપમાનનો રેકોર્ડ બન્યો હતો.
દરમિયાન અલનીનોના પ્રભાવથી નબળા ચોમાસાના જોખમને પગલે કેન્દ્ર સરકાર હરકતમાં આવી ગઇ છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે બેઠક યોજી હતી. ખેડૂતોને કોઇ ગભરાટ નહીં રાખવા તથા દુષ્કાળનું જોખમ ધરાવતા રાજ્યોને સાવધ રહેવાની સાથોસાથ ખેડૂતોની તકલીફ ન થાય તે માટે કેન્દ્ર સરકાર સાથે સંક્લનમાં રહેવા સુચના આપી હતી. જીલ્લાસ્તર સુધી કન્ટીજન્સી પ્લાન પણ લાગૂ કરવામાં આવશે.
સરકાર સાવધ : જરૂર મુજબ જીલ્લાસ્તર સુધી કન્ટીજન્સી પ્લાન
અલનીનોના ખતરાને અને ચોમાસાને વરસાદ સરેરાશ કરતા 90 ટકા જ રહેવાની હવામાન વિભાગની ચેતવણીને પગલે કેન્દ્ર સરકાર સાવધ થઇ જ છે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જરૂર મુજબ જીલ્લાસ્તર સુધી કન્ટીજન્સી પ્લાન બનાવવાની સુચના આપી જ છે.
ઉપરાંત ઓછા વરસાદમાં ઉત્પાદન થઇ શકે તેવી કૃષિ વેરાયટી તથા ધાન્ય પાકોની વાવણી કરવા, ખેડૂતોને સમયસર હવામાન સંબંધી માહિતી આપવા, જળ સંચાલન અસરકારક બનાવવા તથા કૃષિ ક્ષેત્રને ન્યુનતમ નુકશાન થાય તે પ્રકારની રણનીતિ ઘડવાના પગલા લેવા સુચવ્યું હતું.
ભારત અને વૈશ્વિક અર્થતંત્ર પર શું થશે અસર?
ચોમાસુ નબળુંઃ- અલનીનોના કારણે ભારતીય ચોમાસાની ગતિ ધીમી પડી શકે છે અથવા તે અવરોધાઇ શકે છે, જેનાથી કૃષિ ક્ષેત્રને મોટું નુકસાન થવાની ભીતિ છે.
ભયંકર દુષ્કાળ અને ગરમીઃ- ભારત ઉપરાંત આફ્રિકાના કેટલાક ભાગો, દક્ષિણ-પૂર્વી એશિયા અને ઓસ્ટ્રેલિયામાં હવામાન ખૂબ જ ગરમ અને સૂકું થઇ જશે, જેથી જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ વધી શકે છે.
પુરનું સંકટઃ- આનાથી તદ્ન વિપરીત, દક્ષિણ અમેરિકા જેવા દેશોમાં અતિભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઇ શકે છે.

