New Delhi તા.3
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ પાકિસ્તાની જાસૂસી એજન્સી આઈએસઆઈ, પાકિસ્તાની ગેંગસ્ટર અને આઈએસઆઈના એજન્ટ શહજાદ ભટ્ટી અને અન્ડર વર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ મોડયુલના એક વધુ આતંકી હુફૈજાની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર આતંકી હુફૈજાની તલાશમાં છેલ્લા કેટલાય દિવસોથી મુંબઈ સેલ અને મુંબઈ એટીએસની ટીમ દરોડા પાડી રહી હતી. એક દિવસ અખબારમાં અહેવાલ પ્રગટ થયો હતો કે મુન્નાના નજીકના હુફૈજાની તલાશમાં સેલ દરોડા પાડી રહી છે.
ઉલ્લેખનીય છે કે હુફૈજા મુંબઈ અન્ડર વર્લ્ડમાં દાઉદ ઈબ્રાહીમનો જમણો હાથ અને આઈએસઆઈના એજન્ટ મુન્ના ઝિંગાડાનો નજીકનો માનવામાં આવે છે. મુન્ના કરાચીથી તેને નિર્દેશ આપતો હતો અને તે તેના મુજબ કામ કરતો હતો. હુફૈજાને મંગળવારે રાત્રે મુંબઈથી પકડી લેવામાં આવ્યો હતો.
હુફૈજાની ધરપકડથી ડી કંપનીમાં કેટલા આતંકીઓની ભરતી કરવામાં આવી તેની પુછપરછ કરવામાં આવી રહી છે. સાથે સાથે મુન્ના પાસેથી તેને શું શું ટારગેટ અપાયા હતા તેના બારામાં પણ પતો લગાડવામાં આવી રહ્યો છે.

