Rajkot તા.૫
રાજકોટ વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૬ અંતર્ગત પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા ૧૫ મેથી ૦૫ જૂન, ૨૦૨૬ સુધી ચલાવવામાં આવેલા વિશેષ પર્યાવરણ સંરક્ષણ અભિયાનનું સમાપન આજે આરડીએસએ ક્રિકેટ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે આયોજિત ભવ્ય વૃક્ષારોપણ અને પુરસ્કાર વિતરણ સમારોહ સાથે થયું હતું.
રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ ડિવિઝન વાણિજ્ય પ્રબંધક શ્રી સુનિલ કુમાર મીનાએ જણાવ્યું કે, કાર્યક્રમની શરૂઆત ડિવિઝન રેલ પ્રબંધક શ્રી ગિરિરાજ કુમાર મીના દ્વારા પર્યાવરણ સંરક્ષણના શપથ લેવડાવીને કરવામાં આવી હતી. આ પ્રસંગે પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે, પર્યાવરણ સંરક્ષણ માત્ર કોઈ એક દિવસ પૂરતો સીમિત વિષય નથી, પરંતુ તે દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. તેમણે વધુમાં વધુ વૃક્ષારોપણ, જળ સંરક્ષણ અને કુદરતી સંસાધનોના સંવર્ધન માટે આહ્વાન કર્યું હતું.
ત્યારબાદ, વરિષ્ઠ ડિવિઝન યાંત્રિક ઈજનેર શ્રી મેઘરાજ તાતેડે ત્રણ અઠવાડિયા સુધી ચાલેલા આ વિશેષ અભિયાન દરમિયાન આયોજિત વિવિધ પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમો, સ્વચ્છતા પ્રવૃત્તિઓ અને વૃક્ષારોપણ અભિયાનોની સિદ્ધિઓની વિગતવાર માહિતી રજૂ કરી હતી.
ત્યારપછી વરિષ્ઠ ડિવિઝન કાર્મિક અધિકારી શ્રી અમૃત સોલંકી દ્વારા આયોજિત પુરસ્કાર વિતરણ સમારોહમાં ચિત્રકલા અને નિબંધ સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારા રેલવે કર્મચારીઓ, સહભાગીઓ અને સામાજિક સંસ્થાઓને પ્રશસ્તિ-પત્ર તથા સ્મૃતિ-ચિહ્ન એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ’સદભાવના વૃદ્ધાશ્રમ’ને રાજકોટ ડિવિઝનના વૃક્ષારોપણ અભિયાનોમાં નિરંતર સહયોગ, છોડની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે સમર્પિત યોગદાન બદલ વિશેષ રૂપે સન્માનિત કરવામાં આવ્યું હતું.

