Gandhinagar,તા.10
નૈઋત્યનું ચોમાસુ દેશમાં આગળ વધી રહ્યું છે અને તેની સાથે અલનીનોની અસર પણ શરુ થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે તથા તેના કારણે દેશના 197 જિલ્લાઓમાં અત્યંત વધુ પ્રભાવ પડશે તેવુ હવામાન તથા કૃષી વિભાગે જાહેર કરીને આ જીલ્લાઓની ઓળખ પણ કરી લીધી છે જયાં આ વર્ષે દુષ્કાળની સંભાવના વધુ છે.
અલનીનો એ મોસમ સાથે જોડાયેલી એક એવી પરીસ્થિતિ છે કે જે નૈઋત્યના ચોમાસાને અસર કરે છે અને તેના કારણે હવામાન વિભાગે પણ આ વર્ષે ચોમાસુ સરેરાશ કરતા ઓછુ એટલે કે 90% રહેશે તેવી આગાહી કરી છે અને જે 197 જિલ્લાઓમાં સરકારે આ અંગે કૃષીને બચાવવા માટે ખાસ તૈયારી પણ કરી છે જેને ઓપરેશન રાહત નામ અપાયુ છે.
તેમાં ગુજરાતના 11 જિલ્લાઓમાં અલનીનોની અસર થશે જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ અંગે કૃષી મંત્રી શિવરાજ ચૌહાણે જણાવ્યું કે આ 197 જિલ્લાઓમાં કૃષી પાકને બચાવવા માટે અત્યારથી જ તૈયારી કરી લેવામાં આવી છે અને અલનીનોની તથા તેના પગલે દુષ્કાળની અસર ઓછામાં ઓછી રહે તે જોવામાં આવશે. કૃષી મંત્રાલયે આ માટે જે તે વિસ્તારમાં રાહત પહોંચાડવા ખાસ તૈયારી કરી છે.
ગુજરાતમાં અલનીનોની અસર સૌરાષ્ટ્ર અને કચ્છનો સમાવેશ કરાયો છે. કેન્દ્ર સરકારે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, છતીસગઢ, કર્ણાટક અને ઉતરપ્રદેશના કેટલાક વિસ્તારોમાં પણ આ અસર થશે તે નિશ્ચિત છે.
આ 197 જિલ્લાઓના નામો કૃષી વિભાગે તેના આંતરિક દસ્તાવેજોમાં સામેલ કર્યા છે. પરંતુ સરકારે હવે આ માટે રાજય કક્ષાનો એક કટોકટીનો પ્લાન તૈયાર રાખવા આદેશ આપ્યો છે અને તે મુજબ કૃષી ક્ષેત્રને બિયારણ, ટેકનોલોજી સપોર્ટ અને વૈકલ્પિક પાક અંગે સમજ અપાશે.
આ ઉપરાંત એક રાષ્ટ્રીય કક્ષાનો જાગૃતિ કાર્યક્રમ પણ તૈયાર કરાશે અને દર સપ્તાહે પરીસ્થિતિની નજર રખાશે. જયારે સરકારે ગ્રામીણ ક્ષેત્રમાં કૃષી રોજગારીને જાળવી રાખવા મનરેગા હેઠળ રૂા.95692 કરોડની જોગવાઈ તૈયાર રાખી છે અને જેમ જેમ પરીસ્થિતિ આગળ વધતી જશે તેમ તેમ આ અંગે વધુ નિર્ણયો લેવાતા રહેશે.

