New Delhi,તા.15
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધનો આખરે અંત આવ્યો છે અને બંને દેશો વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર થઈ ગયા છે. પાકિસ્તાન અને કતારની મધ્યસ્થતામાં થયેલી આ મોટી ડીલની પુષ્ટિ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે. ગત 28 ફેબ્રુઆરીએ અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો હતો, જેના કારણે સમગ્ર વિશ્વમાં ભારે તણાવ પેદા થયો હતો. હવે આ કરાર થતાં જ સમગ્ર વિશ્વએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ આ કરારના કારણે સૌથી મોટા અને સારા સમાચાર ભારત માટે સામે આવ્યા છે. ભારતને આ ડીલથી એવો આર્થિક અને વ્યૂહાત્મક ફાયદો થવા જઈ રહ્યો છે, જે યુદ્ધ પહેલા પણ મળવો મુશ્કેલ હતો.આ કરારના ડ્રાફ્ટ મુજબ ઈરાનના ઓઇલ નિકાસ પરના પ્રતિબંધોમાં અસ્થાયી રાહત આપવામાં આવશે અને તેની ફ્રીઝ થયેલી 25 અબજ ડૉલરની સંપત્તિ પણ મુક્ત કરાશે. ભારત ભૂતકાળમાં ઈરાન પાસેથી મોટા પ્રમાણમાં સસ્તું ઓઇલ ખરીદતું હતું, પરંતુ અમેરિકન પ્રતિબંધોના કારણે આ વેપાર બંધ થઈ ગયો હતો. મહત્ત્વની વાત એ છે કે ઈરાન સાથે ઓઇલનો વેપાર ડૉલરના બદલે રૂપિયામાં થતો હતો. હવે જો પ્રતિબંધો ધીમે-ધીમે હટશે તો ભારત ફરીથી ઈરાન પાસેથી સસ્તું ક્રૂડ ઓઇલ ખરીદી શકશે, જે ભારતીય અર્થતંત્ર માટે બૂસ્ટર સાબિત થશે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી ખોલવામાં આવશે અને અમેરિકા ઈરાનના બંદરો પર લાદવામાં આવેલી નૌસેનાની નાકેબંધી તાત્કાલિક અસરથી હટાવી લેશે. ટ્રમ્પે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, ‘ઇસ્લામ રિપબ્લિક ઓફ ઈરાન સાથેની ડીલ પૂર્ણ થઈ ગઈ છે. હું સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ટોલ ફ્રી ખોલવાની અને અમેરિકન નાકેબંધી હટાવવાની મંજૂરી આપું છું. હવે વૈશ્વિક સ્તરે જહાજો ફરીથી ફરી શકશે અને ઓઇલનો પ્રવાહ શરૂ થશે.’ ઉલ્લેખનીય છે કે, આ એ જ હોર્મુઝ વિસ્તાર છે જ્યાંથી દુનિયાનો આશરે 20% ઓઇલ અને એલએનજીનો સપ્લાય પસાર થાય છે, જે યુદ્ધ દરમિયાન સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો.ભારત પોતાની જરૂરિયાતનું આશરે 80થી 85% ક્રૂડ ઓઇલ વિદેશથી આયાત કરે છે, જેમાં અખાતી દેશોનો હિસ્સો સૌથી મોટો છે. આ શાંતિ કરાર લાગુ થતાં જ અને ઈરાનનું ઓઇલ ફરી વૈશ્વિક માર્કેટમાં આવવાના કારણે બ્રેન્ટ ક્રૂડના ભાવોમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. આનાથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો પરનું દબાણ ઘટશે અને મોંઘવારીને નિયંત્રિત કરવામાં મોટી મદદ મળશે. આ ઉપરાંત ભારતનું ઓઇલ આયાત બિલ ઘટવાથી દેશના વિદેશી હૂંડિયામણ ભંડાર પરનું દબાણ ઓછું થશે અને ભારતીય રૂપિયાને પણ મજબૂતી મળશે.

