મહિલાએ બોમ્બે હાઇકોર્ટમાં સત્તાવાળાના આદેશને પડકાર્યો હતો. હાઇકોર્ટે બરતરફીના આદેશને યથાવત રાખ્યો હતો
New Delhi, તા.૧૨
Supreme Court ગુરુવારે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે કોઈ કર્મચારીને નોકરીમાંથી બરતરફ કરવાની કઠોર સજા કરતાં પહેલાં શિસ્તભંગ સત્તાવાળાઓએ ખૂબ જ સાવધાની રાખવી જોઈએ, કારણ કે આવી સજાની વિનાશક અસર માત્ર કર્મચારી પર જ નહીં, પરંતુ તેના પર નિર્ભર પરિવારજનો પર પણ પડે છે. નોકરીમાંથી બરતરફી એ સૌથી કઠોર સજા છે અને તેનો ઉપયોગ માત્ર એવા ગંભીર કેસોમાં થવો જોઈએ, જ્યાં કર્મચારીનું વર્તન સંસ્થા, શિસ્ત અને વિશ્વાસ સાથે સંપૂર્ણપણે અસંગત હોય.
ન્યાયાધીશ સંજય કરોલ અને એન કોટિશ્વર સિંહની બનેલી ખંડપીઠે મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ ના એક મહિલા કર્મચારીની અપીલ પર ચુકાદો આપતાં આ અવલોકનો કર્યા હતાં. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર, લાંચ લેવી, નૈતિક અધઃપતન, નાણાંની ઉચાપત, નોકરીદાતાને મોટું આર્થિક નુકસાન પહોંચાડવું, સેવા ચાલુ રાખવા માટે સંપૂર્ણ અયોગ્યતા દર્શાવતું વર્તન જેવા ગંભીર કિસ્સામાં બરતરફી યોગ્ય હોઇ શકે છે.
જ્યાં ભ્રષ્ટાચાર, નાણાકીય ગેરરીતિ કે નોકરીદાતાને સાબિત થયેલું નુકસાન ન હોય અને કર્મચારીની લાંબી સેવા દરમિયાન નોંધપાત્ર ખરાબ રેકોર્ડ પણ ન હોય, ત્યાં સત્તાવાળાઓએ વિચારવું જોઈએ કે ઓછી કડક સજા દ્વારા ન્યાય થઈ શકે છે કે નહીં.જુલાઈ ૨૦૧૭ના બરતરફીના આદેશને સંપૂર્ણપણે અપ્રમાણસર ગણાવી રદ કરતાં કોર્ટે જણાવ્યું હતું કે મહિલા કર્મચારી એપ્રિલ ૧૯૮૫માં નોકરીમાં જોડાઈ હતી. સપ્ટેમ્બર ૨૦૦૬માં તેમની સામે વિભાગીય તપાસ શરૂ થતાં તેમને સસ્પેન્ડ કરાયાં હતાં.
સસ્પેન્ડ કરવાના આદેશમાં શિસ્તભંગ, વરિષ્ઠ અધિકારીઓની અવગણના, આદેશનું પાલન ન કરવું. સત્તાવાર દસ્તાવેજોમાં ચેડાં કરવાં, બેદરકારી જેવા આરોપો મુકાયા હતાં. તેઓ લગભગ ૧૧ વર્ષ સુધી સસ્પેન્ડ રહ્યા બાદ જુલાઈ ૨૦૧૭માં તેમને નોકરીમાંથી બરતરફ કરાયા હતાં. મહિલાએ બોમ્બે હાઇકોર્ટમાં સત્તાવાળાના આદેશને પડકાર્યો હતો. હાઇકોર્ટે બરતરફીના આદેશને યથાવત રાખ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે નોકરીમાંથી બરતરફી કર્મચારી અને નોકરીદાતા વચ્ચેનો સંબંધ કાયમ માટે સમાપ્ત કરી દે છે. તે કર્મચારીને નિવૃત્તિ લાભો સહિત ભૂતકાળની સેવાના અનેક હકોમાંથી પણ વંચિત કરી શકે છે.
બરતરફી માત્ર કર્મચારીની આવકનો સ્ત્રોત જ છીનવી લેતી નથી, પરંતુ તેના પર નિર્ભર પરિવારજનોને પણ અસર કરે છે. તેથી તેનો વિનાશક પ્રભાવ સમગ્ર પરિવાર પર પડે છે. આટલી ગંભીર અસરને ધ્યાનમાં રાખીને શિસ્તભંગ બદલ સત્તાધિકારીઓએ બરતરફી જેવી સૌથી કઠોર સજા ફટકારતા પહેલાં ખૂબ જ સાવધાની રાખવી જોઇએ. Supreme Court જણાવ્યું કે કર્મચારી હવે નિવૃત્તિની ઉંમર પાર કરી ચૂક્યાં હોવાથી તેમની પુનઃનિયુક્તિનો આદેશ આપી શકાય નહીં. કોર્ટે સંબંધિત સત્તાવાળાઓને બરતરફી સિવાયની અન્ય યોગ્ય સજા અંગે વિચારવા જણાવ્યું હતું.

