ફાલ્ગુની વસાવડા
હે ઈશ્વર.
આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. જન્મેલાં બાળકને જોઈએ તો, એ જાગતું હોય ત્યારે આજુબાજુ બધે આમતેમ ચારેકોર જોયે રાખે છે, જેમ જેમ મોટું થતું જાય છે, એમ એનું કૂતુહલ વધતું જાય છે, અને પછી એ કાલીઘેલી ભાષામાં કે પુછે છે! એટલે બાળક હોય ત્યારે જે કૂતુહલ થતું હતું, એ જેમ જેમ મોટાં થાય એમ સરળ સવાલ અને પછી ધીરેધીરે જટિલ પ્રશ્નોનું સ્વરૂપ લે છે, અને આ પ્રશ્નોનું લિસ્ટ લાંબું થતું જ જાય છે! ક્યારેક એને પરિવાર વિશે પ્રશ્ન થાય, તો ક્યારેક પ્રકૃતિ વિશે! શરીરની વૃદ્ધિ એવંમ સ્વાસ્થ્ય, સુખ, સંબંધ, સંસ્કૃતિ, વિશે અનેક પ્રશ્નો એનો જીંદગીભર પીછો છોડતું નથી. પરંતુ અધ્યાત્મમાં પ્રવેશ જ પ્રશ્નથી થાય છે! જીવને પોતાના જીવન વ્યવહાર વિશેના પ્રશ્નો વિશે અધ્યાત્મમાં કોઈ જગ્યા નથી!: પરંતુ જીવ માત્રાના જન્મથી મૃત્યુ સુધી શરીરનું પોષણ અને ગેબ ગેબી નાં રહસ્યોથી આપણા વૈદિક શાસ્ત્રો ભર્યા છે, પણ એ ગૂથ્લી એમ વાંચીને સુલજતી નથી, ઈશ્વર છે, અને એ જ કર્તા છે, એ જાણકારી આપણી બધાં પાસે છે જ, પણ આપણે એને પૂર્ણ પણે સ્વીકારી શકતાં નથી, પણ કોઈ ગુરુ,એ કે કોઈ ઋષિ એ, જીજ્ઞાસુ શિષ્યને ઉદાહરણ ટાંકીને કે પછી સહજતાથી સમજાવવું પડે છે! આજે શુક્રવાર અને એટલે ઉપનિષદનો સહજ સરળ અર્થ કરી એને સમજવા ચિંતન કરીશું.
આગળનાં ક્રમમાં પ્રશ્ન ઉપનિષદ આવે છે, જે છ પેટા વિભાગમાં વહેંચાયેલ છે! અને જેમાં છ પ્રશ્નનો સમાવેશ થાય છે. કુલ 67 શ્લોક છે, આજે પ્રથમ વિભાગ વિશે જોઈશું.
પ્રશ્ન ઉપનિષદનો પ્રથમ પ્રશ્ન ખંડ 16 મંત્રોનો છે, અને એમાં કબન્ધી કાત્યાયન નામનો શિષ્ય પોતાનાં ગુરુ પિપ્પલાદને પ્રશ્ન કરે છે કે, હે ગુરુવર! આ પ્રજાઓ એટલે કે જીવો ક્યાંથી ઉત્પન્ન થાય છે? પિપ્પલાદ ઋષિ જવાબ આપે છે, અને આ ખંડના બધા મંત્રો મહત્વના છે, પરંતુ વેદાંત અને ઉપાસના દૃષ્ટિએ જોઈએ તો અમુકની વિશેષ પ્રસ્તુતિ કરી શકાય, અને એ રીતે આપણે સરળતાથી સમજી શકીએ.
*ભગવન્ કૃતઃ પ્રજા પ્રજાયન્ત ઇતિ
એનો અર્થ થાય કે હે ભગવન! આ પ્રજાઓ ક્યાંથી ઉત્પન્ન થાય છે?”આ આખા ઉપનિષદનો આધારભૂત પ્રશ્ન છે.
*પ્રજાકામો વૈ પ્રજાપતિ, સ તપોઙતપ્યત,
સ તપ સ્તપ્ત્વા મિથુનમુત્પાદયતે રયિ ચ પ્રાણ ચેતિ. જવાબમાં ઋષિ કહે છે કે પ્રજાપતિએ પ્રજા ઉત્પન્ન કરવાની ઇચ્છાથી તપ કર્યું, અને પછી રયિ એટલે કે પ્રકૃતિ પદાર્થ તથા પ્રાણ જીવનશક્તિનું સર્જન કર્યું. આ પ્રથમ પ્રશ્નનો સૌથી કેન્દ્રીય મંત્ર છે. બેય શબ્દને બરાબર સમજીએ કે પ્રાણ એટલે ચેતન શક્તિ, અને રયિ એટલે દ્રવ્ય પદાર્થ, કે રૂપ સમગ્ર સૃષ્ટિ આ બંનેનાં સંયોગથી ચાલે છે.
* આદિત્ય હ વૈ પ્રાણ, પ્રત્યેક જીવ સૃષ્ટિનો પ્રાણ સૂર્ય છે. એટલે કે ઉપનિષદ અહીં સૂર્યને માત્ર ગ્રહ નહીં, પરંતુ સર્વજીવનનાં પ્રાણસ્રોત તરીકે જુએ છે. જ્યારે ચંદ્ર ને રયિ નું પ્રતિક કહ્યું છે, રયિદેવ ચન્દ્રમા. ચંદ્ર જ રયિ છે. પ્રત્યેક જીવનું પ્રાણ તત્વ અથવા ચૈતન્ય સૂર્ય છે એનો સંયોગ પ્રકૃતિ, દ્રવ્ય અથવા પદાર્થ સાથે થાય ! એટલે કે આ દ્વૈત માંથી જ સમગ્ર સૃષ્ટિની રચના થઈ છે. પ્રાણનું સ્વરૂપ પણ સમજાયું! રયિ રૂપે શક્તિ નું સ્વરૂપ પણ સમજાયું પરંતુ એક સહજ પ્રશ્ન એ પણ થાય કે પ્રજાપતિ કોણ ?
*સંવત્સરો વૈ પ્રજાપતિ! એટલે કે સમયની અવધિ જ પ્રજાપતિ છે. ઋષિ જવાબ આપે છે કે અહીં સમયચક્ર એટલે કે વર્ષ એ પ્રજાપતિનું સ્વરૂપ છે! સમયને અને બ્રહ્માંડની પરમ શક્તિને યુગલ બતાવી એમનાં સંયોગથી જીવ સૃષ્ટિનું નિર્માણ કર્યું! ઋષિનો કહેવાનું તાત્પર્ય એ છે.
* તે અર્ચિષમભિસમ્ભવન્તિ.
પણ સમયની અવધિ ને જ્યારે પ્રજાપતિ કહ્યું, અને પાછું સૂર્ય ને પ્રાણ એટલે ઉત્તરાયણ અને દક્ષિણાયન પણ આવે જેને ઈશ્વર પ્રાપ્તિના બે મુખ્ય માર્ગ, (૧)દેવયાન, એટલે કે આધ્યાત્મિક જ્ઞાન માર્ગ (૨) પિતૃયાન એટલે કે કર્મ માર્ગ તરીકે ઋષિ અભિવ્યક્ત કરે છે! અને જેને અનેક મહાનુભાવો એ બિલકુલ નિતાંત સત્ય તરીકે સ્વીકારી લીધાં છે, જે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ભગવત્ ગીતામાં પણ કહેવાયું છે.
* એતદ્વૈ સત્યકામ પરં ચાપરં ચ બ્રહ્મ.
એટલે કે આગળ આ માર્ગે બ્રહ્મ લોકની પ્રાપ્તિ બતાવી છે. આ પ્રશ્ન આ ઉપનિષદ નો આધ્યાત્મિક શિખર છે. જેનાથી પર બ્રહ્મ અને અપર બ્રહ્મની પ્રાપ્તિ થાય છે.
પણ દરેક ઉપનિષદ પર જેમ ભાષ્ય છે, એમ આ ઉપનિષદ પર પણ ટિપ્પણી થઈ છે, સ્વામી ચિન્મયાનંદ,સ્વામી રંગનાથાનંદ,સ્વામી ગંબીરાનંદ, રામકૃષ્ણ મઠના પ્રકાશનો
આ બધાએ પ્રશ્ન ઉપનિષદનાં સરળ અને આધુનિક અર્થઘટનો આપ્યા છે. પરંતુ આદિદેવ શંકરાચાર્યએ પણ ભાષ્ય કર્યું છે, અને એમણે કહ્યું અદ્વૈત માંથી દ્વૈતનો સ્વીકાર કરનાર આ ઉપનિષદ ઘણું મહત્વનું છે, અને એનાં સાર તરીકે એમણે કહ્યું કે પ્રાણ મહાન છે. પ્રાણ જ જીવનનો આધાર છે, છતાં પ્રાણ પણ કાર્યક્ષેત્રનો એક માત્ર ભાગ છે. અંતિમ સત્ય તો પ્રાણનો પણ આધારભૂત આત્મા છે, એટલે પ્રાણ પણ બ્રહ્મનું પ્રતીક જ છે. પ્રાણ, મન અને જગતના બધાં અનુભવોના સાક્ષી જે આત્મા છે, તે જ બ્રહ્મ છે; તેને જાણવાથી જ અમૃતત્વ એવંમ મોક્ષ પ્રાપ્ત થાય છે.
દરેક ઉપનિષદનો આરંભ શાંતિ મંત્રથી થાય છે! માંડૂક્ય અને મૂંડક અને પ્રશ્ન ત્રણેય ઉપનિષદ નો શાંતિ મંત્ર એક જ છે! અને જેમાં શરીર ઈન્દ્રિયો ભગવાન પાસે શુભ ની માંગ કરે છે એટલે કે લાભ નહીં પણ શુભ નાં સંકલ્પ સાથે જ ઉપનિષદ સમજી શકાય! શાંતિ મંત્રમાં ત્રણવાર શાંતિ શબ્દનું ઉચ્ચારણ છે. પરંપરાગત અર્થ મુજબ આધ્યાત્મિક એટલે કે અંતરંગ અવરોધો જે મન, શરીર, ચિત્તમાંથી. ઉદભવે છે એમાં જીવ શાંતિ ઈચ્છે છે. આધિભૌતિક અવરોધો એટલે કે અન્ય જીવો, લોકો,સમાજ, કે પરિસ્થિતિ વશ ઉત્પન્ન થતાં અવરોધ માં શાંતિ માંગે છે. આધિદૈવિક અવરોધો, એટલે કે કુદરતી અથવા અદૃશ્ય શક્તિઓમાંથી જે કર્મ ફળ રુપે અવરોધ આવે છે એમાં શાંતિની સ્થાપના કરવાં ઈચ્છે છે. કારણકે આ આ ત્રણ પ્રકારના વિઘ્નો દૂર થાય, ત્યારે જ એ જ્ઞાનપ્રાપ્તિ માર્ગ પર આગળ વધી શકે માટે એ રીતે નિર્વિઘ્ન બને તે માટે “શાંતિ” ત્રણ વાર ઉચ્ચારવામાં આવે છે. તો ઉપનિષદનાં આરંભે ઉપયુક્ત થયેલા કોઈપણ શાંતિ મંત્રનું ઉચ્ચારણ કરીને આપણે સૌ જીવની ઉત્પત્તિ માટે કારણભૂત સમયમાં પ્રાણ તત્વને અનુભવીને બ્રહ્મની પ્રતિતી સુધી પહોંચી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવાં ચિંતન મનન સાથે, તો સૌને મારા આજનાં દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

