નમ્રતાબેને એસિડ પી જીવન ટૂંકાવી લીધું,કારણ અકબંધ
Upleta,
ઉપલેટા તાલુકાના નવાપરા વિસ્તારમાં બેંક ઓફ બરોડામાં કેશિયર તરીકે ફરજ બજાવતી યુવતીએ અગમ્ય કારણોસર એસિડ પી લેતા ચકચાર મચી ગઈ છે. યુવતીને ગંભીર હાલતમાં સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા ભટ્ટ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.પ્રાપ્ત વિગતો મુજબ, ઉપલેટાના નવાપરા શેરી નં. ૪, ‘શ્રી જી કૃપા સોસાયટી’માં રહેતી નમ્રતાબેન ચંદ્રવદનભાઈ ભટ્ટ (ઉં.વ. ૩૭) પોતાના ઘરે હતી ત્યારે કોઈ કારણોસર એસિડ ગટગટાવી લીધું હતું. તબિયત લથડતા અને મોઢામાંથી ફીણ નીકળવા લાગતા પરિવારજનોમાં દોડધામ મચી ગઈ હતી. તેણીને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી, પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલાં જ ફરજ પરના તબીબે તેને જોઈ-તપાસી મૃત જાહેર કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ, મૃતક નમ્રતાબેન બેંક ઓફ બરોડામાં કેશિયર તરીકે પ્રતિષ્ઠિત નોકરી કરતી હતી. તેના પિતા ચંદ્રવદનભાઈ ભટ્ટ તાલુકા પંચાયતમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને હાલ નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. નમ્રતાબેન ત્રણ બહેનોમાં સૌથી નાના હતા.
પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, નમ્રતાબેનથી ભૂલથી એસિડ પીવાઈ ગયું હતું. જોકે, બેંકમાં કેશિયર તરીકે ફરજ બજાવતી શિક્ષિત યુવતીએ કયા સંજોગોમાં આ પગલું ભર્યું અથવા આ પાછળ કોઈ માનસિક તણાવ જવાબદાર હતો કે કેમ, તે દિશામાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

