Porbandar,તા.૧૨
પોરબંદરને વૈશ્વિક સ્તરના ફર્નિચર ઉત્પાદન કેન્દ્ર તરીકે વિકસાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલરૂપે આગામી ૧૩ જૂન, ૨૦૨૬ના રોજ “વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટ અંતર્ગત પોરબંદરમાં સૂચિત મેગા ફર્નિચર પાર્કની સ્થાપનાની સંભાવનાઓ, તેના વિકાસ માટેના માર્ગદર્શન તેમજ ભવિષ્યની વ્યૂહાત્મક કવાયત અંગે ઉદ્યોગજગત સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી તથા પોરબંદરના લોકસભા સાંસદ ડૉ. મનસુખભાઈ માંડવિયા અને ગુજરાત સરકારના મંત્રી તથા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં હિતધારકો સાથે સંવાદ યોજાશે. પોરબંદરમાં ઔદ્યોગિક વિકાસ અને આવનાર સમયમાં ઔદ્યોગિક રૂપરેખાના વિસ્તરણ માટે આ સમિટ એક મહત્વપૂર્ણ મંચ સાબિત થશે.
ફર્નિચર ઉત્પાદન અને તેની સાથે સંલગ્ન ક્ષેત્રોના ઉદ્યોગપતિઓ, ઉદ્યોગ સંગઠનો તથા વ્યાપારિક મંડળોના પ્રતિનિધિઓ સહિત રાજ્યભરમાંથી ૫૦થી વધુ પ્રતિનિધિઓને આ સમિટમાં આમંત્રિત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તથા પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સના પ્રતિનિધિઓની ઉપસ્થિતિ પણ નોંધપાત્ર રહેશે, જેમાં અમદાવાદ સ્થિત બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનના પ્રતિનિધિ સ્ટીવ હીકલિંગ, સહિત ગુજરાત ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન, ગુજરાત ટિમ્બર ઓક્શન એસોસિએશન, ગુજરાત ગ્રીન ઇકોનોમિક ચેમ્બર તથા પોરબંદર ખાતે સ્થિત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેવાના છે.
ફર્નિચર પાર્કની સંભવિત સ્થાપના માટે જરૂરી સંકલિત અભિગમને ધ્યાનમાં રાખીને, ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ, બંદર વિભાગ સહિત સ્થાનિક વહીવટી કચેરીઓના ઉચ્ચ અધિકારીઓ પણ આ સમિટમાં ભાગ લઈ અને જરૂરી રૂપરેખા પ્રસ્તુત કરશે. વિવિધ વિભાગો વચ્ચે સંકલન સાધી ભવિષ્યની કાર્યવાહી માટે માર્ગદર્શક ચર્ચા કરવામાં આવશે.
સમિટમાં ભાગ લેવા આવેલા દેશ-વિદેશના પ્રતિનિધિઓ ૧૪ જૂન, ૨૦૨૬ના રોજ પોરબંદરમાં ફર્નિચર પાર્ક માટે સૂચિત સ્થળોની મુલાકાત પણ લેશે. પોરબંદર નજીક સ્થિત ભારવાડા ખાતે આ પાર્ક નિરીક્ષણ દ્વારા પ્રોજેક્ટની સંભાવનાઓનું મૂલ્યાંકન કરવામાં આવશે તેમજ સ્થાનિક સ્તરે વિકસાવાની થતી માળખાકીય સુવિધાઓ અંગે અવલોકન કરવામાં આવશે.
આ અવસરે પોરબંદરની આગવી મહેમાનગતિનો અને સૌરાષ્ટ્રની કલા સંસ્કૃતિનો પરિચય કરાવવા માટે તંત્ર દ્વારા પ્રતિનિધિઓના સ્વાગત અને જરૂરી સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે.
“વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટ” માત્ર એક બેઠક નહીં, પરંતુ પોરબંદરને નવા ઔદ્યોગિક આયામો તરફ દોરી જતી દ્રષ્ટિપૂર્ણ પહેલ છે. ફર્નિચર ક્ષેત્રમાં રોકાણ, રોજગારીની નવી તકો, સ્થાનિક અર્થતંત્રને પ્રોત્સાહન અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ઉત્પાદન ઇકોસિસ્ટમના નિર્માણ માટે આ સમિટ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
તારીખ ૧૩ અને ૧૪ જૂન, ૨૦૨૬ના રોજ યોજાનારી આ સમિટ પોરબંદરના વિકાસના નવા અધ્યાયની શરૂઆત સમાન બની શકે છે, જ્યાં સ્થાનિક સંભાવનાઓને વૈશ્વિક તકો સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે.

