New Delhi,તા.16
આમ આદમી પાર્ટી(AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલે પણ પંજાબના એક કાર્યક્રમ દરમિયાન આશંકા વ્યક્ત કરી હતી કે રાજ્યમાં ચૂંટણી સમય કરતાં વહેલી એટલે કે નવેમ્બર મહિનામાં જ યોજાઈ શકે છે. જોકે, વર્ષ 2004ની લોકસભા ચૂંટણીમાં વહેલી ચૂંટણી કરાવવાના કારણે થયેલા નુકસાનના ઇતિહાસને જોતાં ભાજપ સામાન્ય રીતે આવા નિર્ણયોથી બચે છે. પરંતુ પંજાબ ભાજપના એક નેતાના જણાવ્યા મુજબ, વસ્તીગણતરી અને વહીવટી કારણોને જોતાં ચૂંટણી થોડી વહેલી ઠેલાઈ શકે છે. આથી કેન્દ્રીય નેતૃત્વએ સ્પષ્ટ વિજયના લક્ષ્ય સાથે તમામ સ્તરે તૈયાર રહેવા આદેશ આપ્યા છે.ભાજપ હાઇકમાન્ડ દ્વારા ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ અને ગોવા જેવા મહત્ત્વના રાજ્યોમાં ચૂંટણીની તૈયારીઓ તેજ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. દેશમાં યોજાનારી આગામી વસ્તીગણતરી સાથે તારીખોનો કોઈ ટકરાવ ન થાય તે માટે આ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી નિર્ધારિત સમય કરતાં થોડા અઠવાડિયા વહેલી યોજાઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ સ્થિતિ વચ્ચે ભાજપ નેતૃત્વ એક્શન મોડમાં આવી ગયું છે અને તમામ રાજ્યોના કોર ગ્રૂપને અત્યારથી જ પ્રચાર અને રણનીતિ પર કામ શરૂ કરવા કહી દેવાયું છે.પાર્ટીના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર, ભાજપ પશ્ચિમ બંગાળની તાજેતરની ચૂંટણીમાં મળેલી શાનદાર જીતના વાતાવરણનો સીધો લાભ લેવા માંગે છે. પક્ષના મોટાભાગના નેતાઓનું માનવું છે કે પશ્ચિમ બંગાળમાં મળેલી આ જીત પાછળ ‘હિંદુ ધ્રુવીકરણ’ એક મુખ્ય પરિબળ રહ્યું હતું. ભાજપને આશા છે કે આ જ ફેક્ટર ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ પક્ષને મોટો ફાયદો કરાવી શકે છે. આ જ કારણે તમામ પ્રદેશ એકમોને આ વિજયી લય જાળવી રાખવા માટે સખત મહેનત કરવા સૂચના આપવામાં આવી છે.તમિલનાડુમાં પણ કોંગ્રેસે જોસેફ વિજયની પાર્ટી TVK સાથે મળીને સરકાર બનાવી છે. આ ઉપરાંત કર્ણાટકમાં સત્તાનું સુચારુ પરિવર્તન કરીને સિદ્ધારમૈયાની જગ્યાએ ડિકે શિવકુમારને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. આ તમામ મજબૂત સ્થિતિને કારણે કોંગ્રેસ નવા ગઠબંધન કરવા માટે વધુ ઉત્સાહમાં છે, તેથી ભાજપ નેતૃત્વ વિપક્ષના આ પડકારને બિલકુલ હળવાશથી લેવા માંગતું નથી.
ફેબ્રુઆરી 2027માં દેશભરમાં વસ્તીગણતરીના બીજા તબક્કાની શરૂઆત થવા જઈ રહી છે. આ તબક્કામાં જાતિગત વસ્તીગણતરી માટે સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને પ્રજનન દર સંબંધિત મહત્ત્વના આંકડાઓ એકત્રિત કરવામાં આવશે. ચૂંટણી અને વસ્તીગણતરી બંને ખૂબ જ વિશાળ પ્રક્રિયાઓ છે અને તેમાં મોટા પાયે સરકારી કર્મચારીઓ તથા સંસાધનોની જરૂર પડે છે. મોટેભાગે બંને કામોમાં એક જ સ્ટાફ ફરજ બજાવતો હોવાથી વહીવટી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.આ જ વહીવટી તકલીફોથી બચવા માટે ઉત્તર પ્રદેશ, ગોવા અને પંજાબમાં ચૂંટણી થોડા અઠવાડિયા વહેલી યોજવાનું આયોજન હોઈ શકે છે. બીજી તરફ, ઉત્તરાખંડ ભાજપ ઇચ્છે છે કે ત્યાં ચૂંટણી હજુ થોડી વધુ વહેલી કરાવી લેવામાં આવે. આ સિવાય આગામી વર્ષની શરૂઆતમાં મણિપુરમાં પણ ચૂંટણી થવાની છે, જ્યાંની વર્તમાન સ્થિતિ અને તણાવ પર હાઇકમાન્ડ બારીકાઈથી નજર રાખી રહ્યું છે.ઉત્તર પ્રદેશને બાદ કરતાં બાકીના ચૂંટણી રાજ્યોમાં કોંગ્રેસ હજુ પણ ભાજપ સામે મુખ્ય વિરોધ પક્ષ તરીકે ઊભી છે. ભાજપના સૂત્રો માને છે કે દક્ષિણ ભારતના તાજેતરના રાજકીય ઘટનાક્રમોથી કોંગ્રેસના કાર્યકરોમાં નવો ઉત્સાહ આવ્યો છે. જો ચૂંટણી વહેલી યોજાય, તો વિપક્ષી પક્ષોને ચૂંટણી પ્રચાર અને રણનીતિ ઘડવા માટે બહુ ઓછો સમય મળશે, જેનો સીધો ફાયદો ભાજપને મળી શકે છે.

