New Delhi,તા.17
ઈરાન યુદ્ધના કારણે જે રીતે પેટ્રોલિયમ પેદાશોમાં ભાવવધારો થયો છે તેના કારણે વિમાની કંપનીઓના ઈંધણના ભાવ પણ આસમાને પહોંચ્યા છે અને તેથી એર ઈન્ડીયા સહિતની ભારતીય એરલાઈન્સ હવે એક તરફ તેની ઉડાનોમાં કાપ મુકી રહી છે.
તો બીજી તરફ ભાડામાં પણ વધારો કરી રહી છે તથા મુસાફર માટે ઈન્ફલાઈટ સેવાઓમાં પણ કાપ મુકી રહી છે તેમાં એરઈન્ડીયાએ હવે ઘરઆંગણાની ઉડાનો માટે નવા બેઝીક ભાડાની જાહેરાત કરી છે.
જેમાં નીચા ભાડા માટે મુસાફરોને કેટલીક સેવાઓ નહી મળે અથવા તો તેના માટે વધારાના ચાર્જ ચુકવવા પડશે. હાલમાં કેટલીક ડોમેસ્ટીક ફલાઈટમાં આ નવો અખતરો કરાયો છે. જેઓને નીચા ભાડામાં મુસાફરી કરવી છે તેઓને ઉડ્ડયન દરમિયાન નાસ્તો કે ભોજન નહી મળે ઉપરાંત ચેકીંગ લગેજ 15 કિલો અને કેબીન બેગેજ સાત કિલોની છુટ રહેશે.
ઉડ્ડયન દરમ્યાન ફકત ચા અથવા કોફી પીરસવામાં આવશે જયારે ભોજન કે નાસ્તા માટે અલગ ચાર્જ દેવો પડશે. વિમાની ઉડ્ડયનના 24 કલાક પુર્વે મુસાફરે તે વિમાની પ્રવાસ દરમ્યાન ભોજન લેવા માંગે છે કે કેમ તે જાણ કરવાની રહેશે તથા તેનું પેમેન્ટ કરવાનું રહેશે. જેમાં શાકાહારી, બિનશાકાહારી, જૈન અને ડાયાબીટીક લોકો માટે ખાસ ડીશ ઉપલબ્ધ બનાવાશે. શેડયુલ ચેન્જ થાય તો નવી ફલાઈટમાં આ સુવિધા ટ્રાન્સફર કરી દેવાશે.
મુસાફરોએ બેઝીક એટલે કે મૂળ ભાડુ એ એક વિકલ્પ રહેશે અને તે બાદની સેવાઓ માટે વધારાનો ચાર્જ દેવો પડશે. હાલ કેટલીક ઘરઆંગણાની સેવાઓમાં એરઈન્ડીયા આ પ્રકારે નવી સીસ્ટમ અમલી બનાવી રહી છે.

