જીજ્ઞેશ પટેલ Manavadar તા.૧૮
માણાવદર નગરપાલિકા વિસ્તારની તબેલાવાળી શેરીમાં સફાઈ અને પાણીના નિકાલની ગંભીર સમસ્યાથી ત્રસ્ત સ્થાનિક મહિલાઓએ આજે નગરપાલિકા કચેરીએ પહોંચી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો.સ્થાનિક મહિલા અગ્રણી રેખાબેન ઝાટાકિયાએ જણાવ્યું હતું કે, તબેલાવાળી શેરીમાં નિયમિત સફાઈ થતી નથી, જેના કારણે કચરાના મોટા ઢગલા જમા થયા છે. ઉડતા પ્લાસ્ટિક, કાગળો અને અન્ય કચરો સીધો ઘરોમાં પ્રવેશે છે, જેનાથી રોગચાળો ફેલાવવાનો ભય છે. તેમણે ઓછામાં ઓછા બે-ત્રણ દિવસે સફાઈ કામદારો મોકલવાની માંગ કરી હતી.મહિલાઓએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે શેરીમાં ચોવીસ કલાક પાણી વહેતું રહે છે, પરંતુ તેના નિકાલ માટે કોઈ યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા નથી. સ્થાનિકોને પાણી અને ગંદકીના સામ્રાજ્ય વચ્ચેથી પસાર થવું પડે છે. આ કચરા અને પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે મહિલાઓએ ભારપૂર્વક માંગ કરી હતી.મહિલાઓ જ્યારે પોતાની રજૂઆત લઈને નગરપાલિકા કચેરીએ પહોંચી ત્યારે ચીફ ઓફિસર કે પ્રમુખ સહિતના કોઈ જવાબદાર અધિકારીઓ હાજર નહોતા. અધિકારીઓની ગેરહાજરીથી મહિલાઓનો આક્રોશ વધુ વધ્યો હતો. રેખાબેને આક્ષેપ કર્યો કે, તેમણે પ્રમુખને બે-ત્રણ વાર ફોન કર્યા છતાં તેમણે ફોન ઉપાડવાની તસ્દી લીધી નહોતી.મહિલાઓએ ભ્રષ્ટ અને નિષ્ક્રિય વહીવટ સામે સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, ચૂંટણી સમયે નેતાઓ મત માંગવા આવે છે, પરંતુ સત્તા પર આવ્યા પછી તેઓ માત્ર પોતાના સ્વાર્થમાં જ વ્યસ્ત રહે છે. તેમણે માણાવદર નગરપાલિકાને નિષ્ક્રિય ગણાવી પ્રજાને રામભરોસે છોડી દેવાનો આક્ષેપ કર્યો હતો.

