મેરીયાણા ગામે વાડીના તાર ફેન્સિંગમાં ફસાતા પાંચથી છ મહિનાના સિંહબાળે જીવ ગુમાવ્યો
(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૧૭
Amreli જિલ્લામાં સિંહ પરિવાર પર જાણે માઠી બેસી હોય તેમ વધુ એક સિંહબાળના મોતની ઘટના સામે આવી છે. જેમાં સાવરકુંડલા તાલુકાના મેરીયાણા ગામે એક ખેડૂતની વાડીમાં લગાવવામાં આવેલા તાર ફેન્સિંગમાં ફસાઈ જતાં અંદાજિત પાંચથી છ મહિનાના સિંહબાળનું કરૂણ મોત નિપજતા વનવિભાગ સહિત સ્થાનિકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
આ બનાવમાં પ્રાપ્ત માહિતી મુજબ મેરીયાણા ગામના ખેડૂત વિજયભાઈ ખાતરણીની વાડીમાં ગઈકાલે આ ઘટના બની હતી. વાડીની આસપાસ કરાયેલા તાર ફેન્સિંગમાં સિંહબાળ ફસાઈ જતાં તે ગંભીર રીતે ઘવાયું હતું અને અંતે તેનું મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી.
વનવિભાગે સિંહબાળના મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ (પી.એમ.) માટે ખસેડવાની કાર્યવાહી શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતના ચોક્કસ કારણ અંગે વધુ સ્પષ્ટતા થશે. ઘટનાને લઈને વનવિભાગ દ્વારા આસપાસના વિસ્તારમાં પણ તપાસ ચલાવવામાં આવી રહી છે.
તાજેતરના સમયમાં સિંહોના માનવ વસાહતો તરફ વધતા અવરજવર અને માનવ-વન્યપ્રાણી સંઘર્ષની ઘટનાઓ વચ્ચે આ બનાવે વધુ ચિંતા ઊભી કરી છે. એક તરફ સિંહોના હુમલાથી માનવ જિંદગી બચાવવાનો પડકાર છે, તો બીજી તરફ માનવીય પ્રવૃત્તિઓ અને સુરક્ષા માટે ઉભા કરાયેલા માળખાઓથી સિંહો તથા તેમના બચ્ચાઓને બચાવવાની કવાયત પણ વનવિભાગ માટે મોટો પડકાર બની રહી છે.
આ ઘટનાએ ફરી એકવાર ગીર અને આસપાસના વિસ્તારોમાં વન્યપ્રાણીઓની સુરક્ષા, તાર ફેન્સિંગના જોખમો અને માનવ-સિંહ સહઅસ્તિત્વ અંગે ગંભીર ચર્ચા જગાવી છે. વનવિભાગ હવે ઘટનાના તમામ પાસાઓની તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરશે.

