New Delhi,તા.19
ફિફા વર્લ્ડ કપ 2026માં પોર્ટુગલની નબળી શરૂઆત બાદ કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સોશિયલ મીડિયાથી લઈને ફૂટબોલ નિષ્ણાતોના નિશાના પર આવી ગયા છે. અમેરિકાનાં હ્યુસ્ટન ખાતે રમાયેલી ગ્રુપ-કેની રોમાંચક મેચમાં પોર્ટુગલને પ્રમાણમાં નબળી ગણાતી ડીઆર કોંગોની ટીમે 1-1ની બરાબરી પર રોકી દીધું હતું.
આ આંચકાજનક પરિણામ બાદ ફ્રાન્સનાં પૂર્વ દિગ્ગજ સ્ટ્રાઈકર થિયરી હેનરીએ રોનાલ્ડોની આકરી ટીકા કરતાં જણાવ્યું છે કે, રોનાલ્ડો ટીમ હિતના બદલે પોતાનાં વ્યક્તિગત રેકોર્ડ અને મહત્વાકાંક્ષા પાછળ દોડી રહ્યો છે, જેનાં કારણે પોર્ટુગલને મોટું નુકસાન વેઠવું પડ્યું છે.
મેચ બાદ એક સ્પોર્ટ્સ ચેનલનાં શોમાં હેનરીએ સેક્નડ હાફની એક ચોક્કસ ક્ષણનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, “પોર્ટુગલના આક્રમણ વખતે રોનાલ્ડો પોતે ગોલ કરવાનાં ઈરાદાથી બ્રુનો ફર્નાન્ડીઝના રસ્તામાં આવી ગયો હતો.
જો તે છ યાર્ડના બોક્સમાં સીધો દોડ્યો હોત, તો ડિફેન્ડર્સ દબાણમાં આવી જાત અને બ્રુનો માટે સરળતાથી ગોલ થઈ શક્યો હોત. હોમ ગ્રાઉન્ડ કે ટીવી પર જોતાં ચાહકોએ સમજવું પડશે કે મેચમાં ‘ટીમ’નો સ્કોર મહત્વનો છે, ‘તમારો વ્યક્તિગત’ સ્કોર નહીં.”
મેસી-એમબાપ્પે ચમક્યાં, 41 વર્ષનાં રોનાલ્ડો ફ્લોપ
એકતરફ વર્લ્ડ કપના પ્રથમ રાઉન્ડમાં લિયોનેલ મેસીએ અલ્જીરિયા સામે શાનદાર હેટ્રિક ફટકારીને ઈતિહાસ રચ્યો, કિલિયન એમબાપ્પે ફ્રાન્સનો ઓલ-ટાઇમ લીડિંગ સ્કોરર બન્યો અને નોર્વેના હાલેન્ડે ડેબ્યૂ મેચમાં બે ગોલ કર્યા; ત્યારે બીજી તરફ 41 વર્ષનાં રોનાલ્ડો આખી મેચમાં માત્ર 25 ટચ કરી શક્યો હતો અને એક પણ શોટ ઓન ટાર્ગેટ મારી શક્યો ન હતો.
વ્યક્તિગત માઈલસ્ટોનની ભૂખ નડી?
રોનાલ્ડો અત્યારે વિશ્વનો એકમાત્ર એવો ખેલાડી બનવા તરફ છે જે સતત 6 અલગ-અલગ વર્લ્ડ કપમાં ગોલ નોંધાવી શકે. પરંતુ યુરો 2024થી શરૂ થયેલો તેનો ખરાબ ફોર્મનો સિલસિલો અહીં પણ યથાવત રહ્યો છે.
જોકે, પોર્ટુગલનું સ્ટાર મિડફિલ્ડ (બ્રુનો ફર્નાન્ડીઝ અને બર્નાર્ડો સિલ્વા) પણ કોંગોના ડિફેન્સને તોડવામાં નિષ્ફળ રહ્યું હતું, પરંતુ હેનરીના મતે જો પોર્ટુગલે વિશ્વ વિજેતા બનવું હશે તો રોનાલ્ડોની વ્યક્તિગત સિદ્ધિઓ કરતાં ટીમનાં સમન્વયને વધુ પ્રાધાન્ય આપવું પડશે.

