સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા કટાક્ષથી રાજકીય ચર્ચા
(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૧૯
Amreli જિલ્લા ભાજપના અગ્રણી ડૉ.ભરત કાનાબાર દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરવામાં આવેલ છે.જેમાં તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વ્યંગાત્મક કાર્ટૂન અને કટાક્ષસભર લખાણ વાયરલ થતાં રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. વાયરલ પોસ્ટમાં દેશના વિવિધ રાજ્યોમાં વિરોધ પક્ષના ચૂંટાયેલા ધારાસભ્યો અને સાંસદો મોટી સંખ્યામાં સત્તાધારી પક્ષમાં જોડાઈ રહ્યા હોવાના મુદ્દાને કેન્દ્રમાં રાખીને કટાક્ષ કરવામાં આવ્યો છે. વાયરલ થયેલા લખાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ‘‘દેશના વિવિધ રાજ્યોમાં વિરોધપક્ષોના ચૂંટાયેલા અનેક ધારાસભ્યો અને સાંસદો મોટી સંખ્યામાં પોતાના પક્ષને અલવિદા કહી રહ્યા છે.’’ સાથે જ પ્રાચીન પુરુષાર્થ અને ધાર્મિક ગ્રંથોના સંદેશનો ઉલ્લેખ કરીને લખવામાં આવ્યું છે કે, ‘‘પવન પ્રમાણે સઢની દિશા ફેરવી શકે એ જ આ ભવસાગરને નિવિઘ્ને પાર કરી શકે છે,’’ જેનો સંદર્ભ હાલના રાજકીય પક્ષપલટા સાથે જોડવામાં આવ્યો છે.
કાર્ટૂનમાં એક નાવનું ચિત્ર દર્શાવવામાં આવ્યું છે, જેમાં કેટલાક રાજકીય નેતાઓ સત્તા, સુખ અને સુવિધા લખેલા સઢ હેઠળ મુસાફરી કરતા જોવા મળે છે. નાવ એક કિનારેથી બીજા કિનારે જઈ રહી હોવાનું દર્શાવાયું છે, જ્યારે પાછળ રહેલા કાર્યકરો અને મતદાતાઓ ચિંતિત સ્થિતિમાં દેખાડવામાં આવ્યા છે.
કાર્ટૂનમાં ‘‘સિદ્ધાંત, વિચારધારા એ બધું તો ગરીબ લોકો માટે છે, અમે તો વ્યવહારુ સંતો છીએ’’ જેવા શબ્દો દ્વારા પક્ષપલટા અને રાજકીય વ્યવહારવાદ પર વ્યંગ કરવામાં આવ્યો છે.રાજકીય વિશ્લેષકોના મતે છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ રાજ્યોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પક્ષ બદલવાની ઘટનાઓમાં વધારો નોંધાયો છે. આવા પ્રસંગો લોકશાહી મૂલ્યો, પક્ષની વિચારધારા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને મતદારોના વિશ્વાસ અંગે સમયાંતરે ચર્ચા ઊભી કરતા રહ્યા છે. બીજી તરફ કેટલાક રાજકીય નેતાઓ પક્ષપલટાને વિકાસ, વિસ્તાર અને જનહિત માટે લેવાયેલો નિર્ણય ગણાવે છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ પોસ્ટને લઈને સમર્થકો અને વિરોધીઓ વચ્ચે તીવ્ર ચર્ચા જોવા મળી રહી છે. કેટલાક લોકોએ તેને વર્તમાન રાજકીય પરિસ્થિતિનું વાસ્તવિક ચિત્ર ગણાવ્યું છે, જ્યારે અન્યોએ તેને એકતરફી રાજકીય પ્રચાર અને કટાક્ષ તરીકે ગણાવી છે.રાજકીય ક્ષેત્રમાં પક્ષપલટાની વધતી ઘટનાઓ વચ્ચે વાયરલ થયેલું આ કાર્ટૂન અને લખાણ લોકશાહી વ્યવસ્થામાં વિચારધારા સામે સત્તા અને સુવિધાના પ્રશ્નને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં લાવતું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

