દંપતી વાડીએ આંટો મારી પરત ફરતી વેળાએ અકસ્માત નડ્યો, પરિવારમાં શોક
Harpalsinh Jadeja, Jamkandorana,તા.19
જામકંડોરણા તાલુકાના ચીત્રાવાડ ગામમાં મોટરસાયકલ સ્લીપ થઈ જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં માતા-પિતા સાથે બાઇક પર જઈ રહેલા ૩ વર્ષના માસૂમ પુત્રને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે, જ્યારે માતા હાલ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ચીત્રાવાડ ગામમાં રહેતા સંજયભાઈ પ્રવીણભાઈ રાજગોર (વાણીયા) ગત તા. ૧૪ જૂનના રોજ રાત્રિના ૯:૦૦ વાગ્યાની આસપાસ તેમના પત્ની રેખાબેન (ઉં.વ. ૨૨) અને ૩ વર્ષના માસૂમ પુત્ર સંદીપ સાથે કાકાની વાડીએ આંટો મારીને મોટરસાયકલ પર પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ચીત્રાવાડ ગામ નજીક અચાનક કોઈ કારણોસર તેમનું મોટરસાયકલ સ્લીપ થઈ ગયું હતું. મોટરસાયકલ સ્લીપ થતાં જ ત્રણેય રોડ પર પટકાયા હતા, જેમાં માસૂમ સંદીપ અને તેના માતા રેખાબેનને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત માતા-પુત્રને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સંદીપે ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને જ દમ તોડી દીધો હતો. જ્યારે માતા રેખાબેન હજુ પણ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતક સંદીપ તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. સંતાનમાં એકના એક વહાલસોયા પુત્રનું મોત થતાં જ સમગ્ર ચીત્રાવાડ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

