New York, તા. 23
ફીફા વર્લ્ડ કપ 2026 માં છેલ્લાં 24 કલાક દરમિયાન બે દિગ્ગજોએ ભારે હેડલાઇન્સ મેળવી. લિઓનલ મેસીના બે ગોલની મદદથી આર્જેન્ટિનાએ ઓસ્ટ્રિયાને 2-0થી હરાવીને નોકઆઉટ સ્ટેજમાં જગ્યા બનાવી લીધી છે.
જ્યારે કિલિયન એમબાપ્પેએ પોતાની 100મી ઇન્ટરનેશનલ મેચમાં બે ગોલ ફટકારીને ફ્રાન્સને ઇરાક સામે 3-0થી જીત અપાવી હતી. બંને ટીમો એક મેચ બાકી હોવા છતાં રાઉન્ડ ઓફ-32માં પહોંચી ગઈ છે. બીજી તરફ, નોર્વેએ સેનેગલને હરાવીને નોકઆઉટ સ્ટેજમાં પ્રવેશ કર્યો છે. હવે જોર્ડનનો સામનો અલ્જીરિયા સામે થશે.
ફીફા વર્લ્ડ કપ 2026 માં 12મો દિવસ ફૂટબોલ ફેન્સ માટે યાદગાર રહ્યો. એક તરફ આર્જેન્ટિનાના કેપ્ટન લિઓનલ મેસીએ ઓસ્ટ્રિયા સામે બે ગોલ કરીને ઇતિહાસ રચી દીધો.
તો બીજી તરફ ફ્રાન્સનાં સ્ટાર સ્ટ્રાઇકર કિલિયન એમબાપ્પેએ પોતાની 100મી ઇન્ટરનેશનલ મેચને બે ગોલ સાથે યાદગાર બનાવી દીધી. આર્જેન્ટિનાએ ઓસ્ટ્રિયાને 2-0 અને ફ્રાન્સે ઇરાકને 3-0થી હરાવીને રાઉન્ડ ઓફ-32માં પોતાનું સ્થાન પાકું કરી લીધું છે.
બીજી બાજુ, નોર્વેએ સેનેગલને 3-2થી હરાવીને છેલ્લા 28 વર્ષમાં પોતાનાં પહેલાં વર્લ્ડ કપમાં રાઉન્ડ ઓફ-32માં જગ્યા બનાવી લીધી છે. સ્ટાર ફૂટબોલર અર્લિંગ હાલેન્ડે બે ગોલ કર્યા.
એટલે કે મેસી, એમબાપ્પે પછી હાલેન્ડે પણ પોતાનું ફોર્મ જાળવી રાખ્યું છે. 12મા દિવસે રમાયેલી મેચોમાં આ ત્રણેય ખેલાડીઓએ બે-બે ગોલ કર્યા હતા. આ વર્લ્ડ કપમાં ગોલ્ડન બૂટની રેસમાં હવે મેસી લીડ કરી રહ્યાં છે. આ વર્લ્ડ કપમાં તેમનાં પાંચ ગોલ છે, જ્યારે એમબાપ્પે અને હાલેન્ડના ચાર-ચાર ગોલ થઈ ચૂક્યાં છે.
મેસીએ રચ્યો ઇતિહાસ, ઓસ્ટ્રિયાને હરાવી આર્જેન્ટિના નોકઆઉટમાં
ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના માટે ફરી એકવાર લિઓનલ મેસી સંકટહર્તા બન્યાં. ડલાસ સ્ટેડિયમમાં રમાયેલા આ મુકાબલામાં આર્જેન્ટિનાએ ઓસ્ટ્રિયાને 2-0થી હરાવ્યું. મેસીએ 38મી મિનિટે શાનદાર ગોલ કરીને ટીમને લીડ અપાવી હતી. થિયાગો અલ્માડાની સમજદારી અને ફેકુન્ડો મેડીનાના ઉત્કૃષ્ટ પાસ પછી, મેસીએ બોલને નીચલા ખૂણામાં ધકેલીને સ્કોર 1-0 કરી દીધો હતો.
મેચનાં શરૂઆતનાં તબક્કામાં મેસી એક પેનલ્ટી પણ ચૂકી ગયા હતા અને ઓસ્ટ્રિયાના કેપ્ટન ડેવિડ અલાબાએ ઘણાં મહત્વનાં પ્રસંગોએ આર્જેન્ટિનાને ગોલ કરતાં રોક્યું હતું. જોકે, મેસીએ હાર ન માની અને ઇન્જરી ટાઇમની પાંચમી મિનિટે બીજો ગોલ કરીને જીત પર મહોર લગાવી દીધી.
વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી આગળ નીકળ્યાં મેસી
આ બેવડા ગોલની સાથે મેસીએ વર્લ્ડ કપમાં પોતાનાં કુલ ગોલની સંખ્યા 18 પર પહોંચાડી દીધી છે. તે હવે ફીફા વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બની ગયાં છે. તેમણે જર્મનીનાં મહાન સ્ટ્રાઇકર મિરોસ્લાવ ક્લોઝના 16 ગોલના રેકોર્ડને પાછળ છોડી દીધો.
એટલું જ નહીં, મેસી સતત છ વર્લ્ડ કપ મેચોમાં ગોલ કરનારા ઇતિહાસનાં ત્રીજા ખેલાડી બન્યાં છે. તેમનાં પહેલાં આ સિદ્ધિ ફ્રાન્સના જસ્ટ ફોન્ટેન (1958) અને બ્રાઝિલના જાયર્ઝિન્હોએ (1970) મેળવી હતી.
ઓસ્ટ્રિયાએ સંઘર્ષ કર્યો, પણ આર્જેન્ટિનાનો કિલ્લો ન તોડી શક્યું
રાલ્ફ રેંગનિકની ટીમે મુકાબલામાં જોરદાર સંઘર્ષ જરૂર કર્યો. માર્સેલ સાબિત્ઝરે પોતાની 100મી આંતરરાષ્ટ્રીય મેચમાં શાનદાર ફ્રી-કિક લગાવી હતી, પરંતુ તે ગોલમાં બદલાઈ શકી નહીં. બીજી તરફ આર્જેન્ટિના માટે નિકો ગોન્ઝાલેઝ પણ ગોલની નજીક પહોંચ્યાં હતાં, પણ સ્કોર કરી શક્યાં નહીં. અંતે મેસીનો અનુભવ અને આર્જેન્ટિનાની મજબૂત ડિફેન્સ લાઇન ઓસ્ટ્રિયા પર ભારે પડી. સતત બીજી જીત સાથે આર્જેન્ટિનાએ ગ્રુપ જે માંથી નોકઆઉટ સ્ટેજની ટિકિટ મેળવી લીધી છે.
100મી મેચમાં એમબાપ્પેનો ધમાકો, ફ્રાન્સે ઇરાકને કચડી નાખ્યું
ફિલાડેલ્ફિયામાં રમાયેલા મુકાબલામાં ફ્રાન્સે ઇરાકને 3-0થી હરાવીને સતત બીજી જીત નોંધાવી. મેચની શરૂઆતથી જ ફ્રાન્સનો દબદબો જોવા મળ્યો અને કેપ્ટન કિલિયન એમબાપ્પેએ 14મી મિનિટે ગોલ કરીને ટીમને લીડ અપાવી દીધી. માઇકલ ઓલિસેના પાસ પર એમબાપ્પેએ 20 યાર્ડના અંતરેથી શાનદાર લેફ્ટ ફૂટ શોટ લગાવીને બોલને નેટમાં મોકલી આપ્યો. આ તેમનાં વર્લ્ડ કપ કરિયરનો 15મો ગોલ હતો.
ઇરાકની ભૂલનો એમબાપ્પેએ ઉઠાવ્યો ફાયદો
54મી મિનિટે ઇરાકના ડિફેન્ડર ઝૈદ તહસીન અને ગોલકીપર અહેમદ બાસિલની મોટી ભૂલ ફ્રાન્સ માટે વરદાન સાબિત થઈ. ગોલ કિક દરમિયાન થયેલી ભૂલ બાદ બોલ ઓસ્માન ડેમ્બેલે પાસે પહોંચ્યો, જેમણે નિઃસ્વાર્થ ભાવે એમબાપ્પેને પાસ આપ્યો અને ફ્રેન્ચ કેપ્ટને સરળ ગોલ કરીને સ્કોર 2-0 કરી દીધો. આ વર્લ્ડ કપમાં એમબાપ્પેનો 16મો ગોલ હતો, જેની સાથે તેમણે મિરોસ્લાવ ક્લોઝના જૂના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
ડેમ્બેલેએ પણ ખાતું ખોલાવ્યું
66મી મિનિટે માઇકલ ઓલિસેએ વધુ એક શાનદાર પાસ આપ્યો, જેના પર ઓસ્માન ડેમ્બેલેએ ગોલ કરીને સ્કોર 3-0 કરી દીધો. તેમનાં વર્લ્ડ કપ કરિયરનો આ પહેલો ગોલ હતો.
આંકડાઓમાં પણ ફ્રાન્સનો દબદબો
મેચનાં આંકડા ફ્રાન્સની એકતરફી શ્રેષ્ઠતા દર્શાવે છે. ફ્રાન્સે 18 શોટ્સ લગાવ્યાં, જેમાંથી પાંચ ટાર્ગેટ પર હતાં, જ્યારે ઇરાક એક પણ શોટ લક્ષ્ય પર લગાવી શક્યું નહીં. બોલ પર ફ્રાન્સનો 56 ટકા કબજો રહ્યો અને તેણે 585 પાસ પૂરા કર્યા, જેની સચોટતા 91 ટકા હતી. ઇરાકે 420 પાસ કર્યા અને તેની પાસિંગ સચોટતા 86 ટકા રહી. ફ્રાન્સને ચાર કોર્નર મળ્યાં, જ્યારે ઇરાકને બે કોર્નર મળ્યાં.
નોર્વેએ સેનેગલને હરાવીને નોકઆઉટમાં પહોંચ્યું
અર્લિંગ હાલેન્ડે ફરી એકવાર પોતાની મહત્વતા સાબિત કરતાં ગોલ કર્યો અને નોર્વેને સેનેગલ સામે 3-2થી રોમાંચક જીત અપાવવામાં મોટી ભૂમિકા ભજવી. ગ્રુપ-આઈ ના આ મુકાબલામાં માર્કસ હોલ્મગે્રન પેડરસને 43મી મિનિટે નોર્વેને લીડ અપાવી હતી, જ્યારે હાલેન્ડે 48મી અને 58મી મિનિટે બે ગોલ કરીને ટીમની સ્થિતિ મજબૂત કરી દીધી. જોકે, ઇસ્માઇલા સારાએ 53મી મિનિટે અને ત્યારબાદ ઇન્જરી ટાઇમમાં (90+3) ગોલ કરીને સેનેગલને મેચમાં જીવંત રાખ્યું, પરંતુ નોર્વે પોતાની જીત બચાવવામાં સફળ રહ્યું.
હવે ફ્રાન્સ દત નોર્વે ક્લાસિક મુકાબલો
આ જીત સાથે નોર્વેએ સતત બીજી જીત નોંધાવીને રાઉન્ડ ઓફ-32માં સ્થાન પાકું કરી લીધું છે. બે મેચમાં પૂરા છ પોઈન્ટ સાથે તે હાલમાં બહેતર ગોલ ડિફરન્સના આધારે ફ્રાન્સથી ઉપર ગ્રુપમાં ટોચ પર છે. હવે 26 જૂને ફ્રાન્સ અને નોર્વે વચ્ચે રમાનારી મેચ ગ્રુપ વિજેતાનો નિર્ણય કરશે.
મેસી વિરુદ્ધ એમબાપ્પે : ગોલ્ડન બૂટની રોમાંચક જંગ
ફૂટબોલ વર્લ્ડ કપના બે સૌથી મોટા સિતારાઓ હાલમાં ગોલ્ડન બૂટની રેસમાં આમને-સામને છે. મેસી ઓસ્ટ્રિયા સામે બે ગોલ કરીને ટૂર્નામેન્ટમાં ટોપ સ્કોરર બનેલાં છે, જ્યારે એમબાપ્પે પણ ચાર ગોલ સાથે તેમની પાછળ જ છે.
હાલેન્ડે પણ ચાર ગોલ કરી દીધાં છે. ત્રણેય ખેલાડીઓ પોતપોતાની ટીમોને નોકઆઉટ સ્ટેજમાં પહોંચાડી ચૂક્યાં છે અને હવે તેમની નજર માત્ર વર્લ્ડ કપ ટ્રોફી પર જ નહીં પરંતુ વ્યક્તિગત રેકોર્ડ્સ પર પણ હશે.
રોનાલ્ડો દસ મુકાબલાનો દુકાળ ખતમ કરશે
શું 41 વર્ષનાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો જાદુ હવે ખતમ થઈ રહ્યો છે? આ સવાલ આ સમયે ફૂટબોલ જગતમાં ગુંજી રહ્યો છે. મોટા આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ્સમાં સતત 10 મેચોથી ગોલ ન કરી શકવાનો આ અણગમતો દુષ્કાળ તેમના કદ પર ભારી પડી રહ્યો છે. ગ્રુપ કે માં ઉઝબેકિસ્તાન સામે આજે પોર્ટુગલ હશે. આ મુકાબલા પહેલાં પોર્ટુગાલી ટીમ માટે ‘કરો અથવા મરો’ જેવો મુકાબલો હશે.
આ મેચ પહેલાં સોશિયલ મીડિયા પર પોતાની પ્રેકિ્ટસની તસવીરો પોસ્ટ કરીને કેપ્ટન રોનાલ્ડોએ ‘હું તૈયાર છું, મિશન પર ફોકસ છે’ નો હુંકાર ભર્યો છે. કોંગો સામેની પહેલી મેચમાં ખૂબ જ સાધારણ પ્રદર્શન (1-1) અને માત્ર 25 વાર બોલને અડવાની હતાશાને કારણે રોનાલ્ડો પર દબાણ વધાર્યું હશે. જોકે રોનાલ્ડોને ઓછો આંકવો એ હંમેશાં વિરોધી ટીમોની મોટી ભૂલ સાબિત થતી આવી છે.
ઇંગ્લેન્ડ બનાવશે દબદબો કે ઘાના ચોંકાવશે!
વર્લ્ડ કપના ગ્રુપ-એલમાં આજે રમાનારો ઇંગ્લેન્ડ અને ઘાના વચ્ચેનો મુકાબલો માત્ર ત્રણ પોઈન્ટની લડાઈ નથી, પરંતુ દાવેદારીની અસલી પરીક્ષા પણ હશે. પોતાની પહેલી મેચમાં ક્રોએશિયાને 4-2થી હરાવીને ઇંગ્લેન્ડ જીતની લય જાળવી રાખીને નોકઆઉટનો રસ્તો સરળ કરવા ઈચ્છશે, જ્યારે ઘાના પનામા પર 1-0ની જીત બાદ વધુ એક મોટો ઉલટફેર કરવાની શોધમાં છે.
ઇંગ્લેન્ડની સૌથી મોટી તાકાત તેનું આક્રમણ છે. કેપ્ટન હેરી કેન, જુડ બેલિંગહામ અને યુવા સ્ટાર કોલ પામર કોઈપણ રક્ષણાત્મક પંક્તિ (ડિફેન્સ લાઇન) ને ભેદવાની ક્ષમતા ધરાવે છે.
ક્રોએશિયા સામે ચાર ગોલ ફટકારીને ટીમે પોતાના ઈરાદા સાફ કરી દીધાં હતાં. બીજી તરફ ઘાના દબાણમાં રમનારી ટીમ નથી. પનામા સામેની જીતે તેમનો આત્મવિશ્વાસ વધાર્યો છે અને તેમનો ઝડપી કાઉન્ટર-એટેક કરવાની રણનીતિ ઇંગ્લેન્ડ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. ઘાના જાણે છે કે ડ્રો પણ તેના માટે ફાયદાકારક પરિણામ હોઈ શકે છે.
ફીફા વર્લ્ડ કપમાં 13મા દિવસનું શેડ્યૂલ
ભારતીય સમય મુજબ મુકાબલો ……ગ્રુપ
► રાત્રે 10ઃ30 વાગ્યે (આજે) …. પોર્ટુગલ દત ઉઝબેકિસ્તાન (ગ્રુપ K)
► રાત્રે 1ઃ30 વાગ્યે (24 જૂન) …. ઇંગ્લેન્ડ દત ઘાના (ગ્રુપ L)
► સવારે 4ઃ30 વાગ્યે (24 જૂન) …. પનામા દત ક્રોએશિયા (ગ્રુપ L)
► સવારે 7ઃ30 વાગ્યે (24 જૂન) …. કોલંબિયા દત ડીઆર કોંગો (ગ્રુપ K)

