Dubai,તા.24
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે મહિલા ક્રિકેટરો માટે માતૃત્વ બાદ ક્રિકેટમાં વાપસી અંગે વ્યાપક માર્ગદર્શિકા જાહેર કરી છે. મહિલા ક્રિકેટના વધતા વ્યાવસાયિકીકરણ અને લાંબી કારકિર્દીને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલી આ માર્ગદર્શિકા ખેલાડીઓ, ક્રિકેટ બોર્ડ, કોચ અને તબીબી નિષ્ણાતોને માર્ગદર્શન આપશે.
નવી માર્ગદર્શિકાનો મુખ્ય આધાર ‘6 આર’ માળખું છે, જેમાં તૈયારી, સમીક્ષા, પુન:સ્થાપન, પુન:તૈયારી, વાપસી અને સતત સુધારણા જેવા છ તબક્કાનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રસૂતિ પછીની પ્રારંભિક સંભાળથી લઈને સ્પર્ધાત્મક ક્રિકેટમાં પુનરાગમન અને ત્યારબાદની દેખરેખ સુધીની સમગ્ર પ્રક્રિયા તેમાં સમાવાઈ છે.
માર્ગદર્શિકા મુજબ પ્રસૂતિ બાદ પ્રથમ છ સપ્તાહ દરમિયાન શારીરિક અને માનસિક પુન:પ્રાપ્તિ પર ભાર મૂકવામાં આવશે. ત્યારબાદ તબીબી નિષ્ણાતો દ્વારા ખેલાડીની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવશે અને ધીમે ધીમે ફિટનેસ, દોડ, શક્તિ વિકાસ તથા ક્રિકેટ-કેન્દ્રિત તાલીમ શરૂ કરવામાં આવશે.
આ માર્ગદર્શિકામાં સ્તનપાન કરાવતી ખેલાડીઓની જરૂરિયાતો, બાળ સંભાળની સુવિધા, પ્રવાસ દરમિયાન સંભાળ રાખનાર વ્યક્તિને સાથે રાખવાની વ્યવસ્થા તેમજ લવચીક તાલીમ માળખા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
આઈસીસીએ સ્પષ્ટ કર્યું છે કે ગર્ભાવસ્થા સંબંધિત નિર્ણયો સંપૂર્ણપણે ખેલાડીના વ્યક્તિગત અધિકાર હેઠળ રહેશે અને કોઈપણ ક્રિકેટ સંસ્થા દ્વારા ગર્ભાવસ્થા પરીક્ષણ ફરજિયાત કરી શકાશે નહીં. સભ્ય દેશોના ક્રિકેટ બોર્ડને સ્થાનિક કાયદા અને નિયમો અનુસાર પોતાની નીતિઓ ઘડવાની છૂટ પણ આપવામાં આવી છે.
આઈસીસીના અધ્યક્ષ જય શાહએ જણાવ્યું હતું કે માતૃત્વ કોઈ મહિલા ક્રિકેટરની કારકિર્દીનો અંત ન બનવું જોઈએ. નવી માર્ગદર્શિકા મહિલા ખેલાડીઓને આત્મવિશ્વાસ અને યોગ્ય સહાય સાથે ફરી મેદાનમાં પરત ફરવામાં મદદ કરશે.
“કોઈ પણ ખેલાડીએ માતૃત્વ અને ઉચ્ચ સ્તરે પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવા વચ્ચે પસંદગી ન કરવી જોઈએ. ગર્ભાવસ્થા પછી રમતમાં પાછા ફરવા માટેની ICC ની માર્ગદર્શિકા રમતમાં વધુ સહાયક અને જાણકાર વાતાવરણ બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે,” ICC ના ચેરમેન જય શાહે જણાવ્યું હતું.
આ પહેલ ‘100 ટકા ક્રિકેટ’ અભિયાનનો ભાગ છે, જેના માધ્યમથી મહિલા ક્રિકેટરોના આરોગ્ય, સુરક્ષા અને લાંબા ગાળાની કારકિર્દીને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વેસ્ટ ઇન્ડીઝની મહિલા ક્રિકેટર એફી ફ્લેચર, જેઓ માતૃત્વ બાદ સફળતાપૂર્વક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફરી હતી, તેમણે આ પહેલને આવકારતા જણાવ્યું કે આ માર્ગદર્શિકા ભવિષ્યમાં વધુ ખેલાડીઓને ક્રિકેટમાં વાપસી માટે પ્રોત્સાહન આપશે. ફ્લેચેરે 2021 માં સંતાનને જન્મ આપીને હાલ ટી20 વર્લ્ડ કપ રમી રહી છે.

