Texas,તા. 24
ફીફા વિશ્વકપ 2026 અદભુત રોમાંચ અને મોટા ઉલટફેર સાથે આગળ વધી રહ્યો છે. ટૂર્નામેેન્ટનો 13મો દિવસ ફૂટબોલ પ્રેમીઓ માટે યાદગાર સાબિત થયો હતો. હ્યુસ્ટનમાં રમાયેલી મેચમાં સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ટીકાકારોને સણસણતો જવાબ આપતા બે શાનદાર ગોલ કર્યા હતાં, જેના દમ પર પોર્ટુગલે ઉઝબેકિસ્તાનને 5-0થી કચડી નાખ્યું હતું. આ જીત સાથે રોનાલ્ડોએ વિશ્વકપના ઈતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરી દીધું છે.
બીજી તરફ, ગ્રુપ ‘એલ’માં ઘાનાએ મજબૂત ઈંગ્લેન્ડની ટીમને 0-0ની બરાબરી પર રોકીને મોટો ઉલટફેર કર્યો છે, જેને કારણે નોકઆઉટની રેસ રોમાંચક બની ગઈ છે. આ જ ગ્રુપની બીજી મેચમાં ક્રોએશિયાએ પનામાને 1-0થી હરાવીને પોતાની આશા જીવંત રાખી છે.
સુકાની લુકા મોડ્રિચની 200મી આંતરરાષ્ટ્રીય મેચને યાદગાર બનાવી દીધી છે. હવે સૌની નજર ગ્રુપ ‘કે’માં કોલંબિયા અને કોંગો વચ્ચે થનારી મેચ પર છે, કારણ કે તેનું પરિણામ પોર્ટુગલની ગ્રુપ સ્થિતિ પણ નક્કી કરશે.
રોનાલ્ડોએ આલોચકોને મેદાન પર જ આપ્યો જડબાતોડ જવાબ
વિશ્વ ફૂટબોલના મહાનાયક ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પર કોંગો સામેની પ્રથમ મેચમાં નબળાં પ્રદર્શન બાદ સવાલો ઉઠી રહ્યાં હતાં. કેટલાક નિષ્ણાતો અને પૂર્વ ખેલાડીઓએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે 41 વર્ષનાં આ સ્ટાર ખેલાડીને હવે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન ન મળવું જોઈએ. પરંતુ હ્યુસ્ટનમાં રોનાલ્ડોએ પોતાનાં પ્રદર્શનથી તમામ ટીકાઓનો અંત આણી દીધો હતો.
મેચની માત્ર 6ઠ્ઠી મિનિટે જોઆઓ કેન્સિલોના ક્રોસ પર રોનાલ્ડોએ શાનદાર ફિનિશિંગ કરીને પોર્ટુગલને 1-0ની લીડ અપાવી હતી અને પોતાનું પ્રખ્યાત ‘સિયૂ’ સેલિબ્રેશન કર્યું હતું. ત્યારબાદ 17મી મિનિટે નુનો મેન્ડિસે ફ્રી-કિક દ્વારા ગોલ કરીને સ્કોર 2-0 કર્યો હતો. 39મી મિનિટે બ્રુનો ફર્નાન્ડિસના પાસ પર રોનાલ્ડોએ પોતાનો બીજો અને ટીમનો ત્રીજો ગોલ દાગીને મેચ પર પકડ મજબૂત કરી લીધી હતી.
બીજા હાફમાં ઉઝબેકિસ્તાન તરફથી એક ઓન ગોલ અને અંતમાં રાફેલ લિયાઓના ગોલની મદદથી પોર્ટુગલે 5-0થી શાનદાર જીત નોંધાવી હતી. રોનાલ્ડોને તેના પ્રદર્શન બદલ ‘મેન ઓફ ધ મેચ’ જાહેર કરાયો હતો.
પ્રથમ વખત રમી રહેલી ઉઝબેકિસ્તાનની ટીમની હાર
પોતાનો પ્રથમ વિશ્વકપ રમી રહેલી ઉઝબેકિસ્તાનની ટીમને આ કારમી હારથી મોટો ઝટકો લાગ્યો છે. મેચની 30મી મિનિટે અઝીઝજોન ગાનિયેવે ગોલ કર્યો હતો, પરંતુ વીડિયો રિવ્યુમાં ફાઉલ જણાતાં ગોલ રદ કરવામાં આવ્યો હતો.
ઉઝબેકિસ્તાનના કોચ અને 2006ના વિશ્વકપ વિજેતા કેપ્ટન ફેબિયો કેનાવારોએ હારની સંપૂર્ણ જવાબદારી પોતાનાં પર લેતાં કહ્યું કે, “અમે 5-0થી હાર્યા કારણ કે મારાથી ભૂલો થઈ હતી, ખેલાડીઓથી નહીં.”
ઘાનાની મજબૂત ડિફેન્સ લાઈન સામે ઈંગ્લેન્ડ લાચાર
દિવસની બીજી મોટી મેચમાં ઘાનાએ શાનદાર રક્ષણાત્મક રમતનું પ્રદર્શન કરીને ઈંગ્લેન્ડ જેવી હેવીવેઈટ ટીમને 0-0ની બરાબરી પર રોકી દીધી હતી. વરસાદથી પ્રભાવિત આ મેચમાં ઈંગ્લેન્ડે 60 ટકાથી વધુ સમય સુધી બોલ પર કબજો રાખ્યો હતો અને ગોલ કરવા માટે 19 પ્રયાસો કર્યા હતા, જેની સામે ઘાના માત્ર એક જ શોટ લગાવી શક્યું હતું.
ઈંગ્લેન્ડના સ્ટાર ખેલાડીઓ હેરી કેન, જુડ બેલિંગહામ અને નિકો ઓ’રાઈલીને ઘણી તકો મળી હતી પરંતુ તેઓ ઘાનાની દિવાલ તોડી શક્યાં નહોતા. 86મી મિનિટે નિકો ઓ’રાઈલીનો હેડર ક્રોસબાર સાથે અથડાયો હતો અને રિબાઉન્ડ પર હેરી કેન પણ ગોલ ચૂક્યો હતો.
ઘાનાના કોચ કાર્લોસ ક્વેઇરોઝની રક્ષણાત્મક વ્યૂહરચના સંપૂર્ણ સફળ રહી હતી. જોકે, તેમણે મેચ બાદ દાવો કર્યો હતો કે તેમની ટીમને એક સ્પષ્ટ પેનલ્ટી મળવી જોઈતી હતી. બીજી તરફ ઈંગ્લેન્ડના મિડફિલ્ડર જુડ બેલિંગહામે સ્વીકાર્યું કે ઘાનાની રણનીતિએ તેમને ખૂબ પરેશાન કર્યા.
આંતે બુડિમિરના ગોલથી ક્રોએશિયાની આશા જીવંત, પનામા બહાર
ગ્રુપ ‘એલ’ના અન્ય એક રોમાંચક મુકાબલામાં ક્રોએશિયાએ પનામાને 1-0થી હરાવી દીધું છે. ક્રોએશિયાના ફેન્સ લા લીગામાં સતત ગોલ કરનારા 34 વર્ષીય સ્ટ્રાઈકર આંતે બુડિમિરને શરૂઆતી ઈલેવનમાં ન રમાડવા બદલ નિરાશ હતા. પરંતુ બીજા હાફમાં સબસ્ટિટ્યુટ તરીકે મેદાન પર આવ્યાની માત્ર 10 જ મિનિટમાં બુડિમિરે શાનદાર ગોલ કરીને આખી મેચનો માહોલ બદલી નાખ્યો હતો.
આ ગોલમાં મારિયો પાસાલિચની બેક-હીલ અને જોસિપ સ્તાનિસિચે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ હાર સાથે જ પનામાની વિશ્વકપ સફર અહીં જ સમાપ્ત થઈ ગઈ છે.
14મા દિવસનું શિડ્યુઅલ : બ્રાઝિલ અને સ્કોટલેન્ડ વચ્ચે મહામુકાબલો
વિશ્વકપના 14મા દિવસે ગ્રુપ ‘બી’ અને ગ્રુપ ‘સી’ની ટીમો આમને-સામને થશે. ગ્રુપ બીમાં સ્વિટ્ઝર્લેન્ડનો સામનો કેનેડા સામે થશે, જ્યારે બોસ્નિયા અને હર્ઝેગોવિનાની ટીમ કતાર સામે ટકરાશે. ગ્રુપ સીમાં મોરોક્કો અને હૈતી વચ્ચે મેચ રમાશે. જોકે, દિવસનો સૌથી મોટો મુકાબલો બ્રાઝિલ અને સ્કોટલેન્ડ વચ્ચે રમાશે, જેમાં બ્રાઝિલ જીત મેળવીને નોકઆઉટમાં સ્થાન પાકું કરવા ઈચ્છશે.
મેચોનું સમયપત્રક ભારતીય સમયાનુસાર
ગ્રુપ મેચ સમય
ગ્રુપ B સ્વિટ્ઝર્લેન્ડ વિરૂદ્ધ કેનેડા રાત્રે 12ઃ30 વાગ્યે (25 જૂન)
ગ્રુપ B બોસ્નિયા અને હર્ઝેગોવિના વિરૂદ્ધ કતાર રાત્રે 12ઃ30 વાગ્યે (25 જૂન)
ગ્રુપ C મોરોક્કો વિરૂદ્ધ હૈતી સવારે 03ઃ30 વાગ્યે (25 જૂન)
ગ્રુપ C સ્કોટલેન્ડ વિરૂદ્ધ બ્રાઝિલ સવારે 03ઃ30 વાગ્યે (25 જૂન)

