New Delhi,તા.24
ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્માને લઈને ચર્ચા ચાલી રહી છે કે શું તેમને આગામી વર્ષે યોજાનાર ODI વર્લ્ડ કપ માટે ટીમનો ભાગ બનવું જોઈએ.
ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન મોહમ્મદ કૈફ કહે છે કે, તેમને બંને પર વિશ્વાસ છે. રોહિત અને વિરાટને કોઈપણ કિંમતે વર્લ્ડ કપ ટીમમાં હોવા જોઈએ. કૈફે ખાસ કરીને શર્માની ફિટનેસ અને પ્રતિબદ્ધતાની પ્રશંસા કરતા કહ્યું કે યુવા ખેલાડીઓએ તેમની આસપાસ વિકાસ કરવો જોઈએ.
મોહમ્મદ કૈફે પોતાની યુટ્યુબ ચેનલ પર એક વિડીયો શેર કર્યો છે, જેમાં તેણે 2027ના વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની તૈયારીઓ અંગે ચર્ચા કરી છે. કૈફે કહ્યું કે તે રોહિત અને વિરાટ માટે ખાતરી આપી શકે છે.
તેણે કહ્યું, `હું વિરાટ કોહલી અને રોહિત શર્મા માટે ખાતરી આપી શકું છું. રોહિત તેની ફિટનેસ પર કામ કરી રહ્યો છે, તે પોતાની જાતને આગળ ધપાવશે અને કોઈક રીતે રમવાનું મેનેજ કરશે. ઈજાઓ કોઈને પણ થઈ શકે છે, યુવાન ખેલાડીઓને પણ.’
રોહિત શર્માની બેટિંગમાં આવેલા પરિવર્તન વિશે બોલતા કૈફે કહ્યું, `તેનામાં તે જુસ્સો છે અને તે સ્વભાવ તેની બેટિંગમાં સ્પષ્ટપણે દેખાય છે. કેપ્ટન તરીકે અને ખેલાડી તરીકે તેની બેટિંગમાં ઘણો તફાવત છે. તેનો અભિગમ બદલાઈ ગયો છે. તે હવે દરેક બોલ પર હુમલો કરવાનો પ્રયાસ કરતો નથી.’

