ઈરાનનો દાવો છે કે યુએન અધિકારીઓ માટે બોમ્બમારો કરાયેલી પરમાણુ સાઇટ્સની મુલાકાતનો કોઈ સમય કે કાર્યક્રમ નક્કી નથી થયો
Tehran, તા.૨૪
ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ તપાસ મુદ્દે ફરી એકવાર મોટો વિવાદ ઊભો થયો છે. બંને દેશો વચ્ચે સર્જાયેલા આ સત્તાસંગ્રામને કારણે વૈશ્વિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ઈરાનનો દાવો છે કે યુએન અધિકારીઓ માટે બોમ્બમારો કરાયેલી પરમાણુ સાઇટ્સની મુલાકાતનો કોઈ સમય કે કાર્યક્રમ નક્કી નથી થયો. બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પેસ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ઈરાન આ તપાસ માટે તૈયાર નહીં થાય, તો અમેરિકા વાટાઘાટો તાત્કાલિક અસરથી બંધ કરી દેશે.સ્વિટ્ઝર્લેન્ડમાં બંને દેશોની ટેકનિકલ ટીમો વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચા ચાલી રહી છે, ત્યારે જ આ અસંમતિ સપાટી પર આવી છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘાઈએ અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સના નિવેદનને નકારી કાઢતા જણાવ્યું હતું કે, ગત વર્ષે અમેરિકા દ્વારા બોમ્બમારો કરાયેલી પરમાણુ સાઇટ્સની તપાસ માટે હજુ કોઈ સમયપત્રક નક્કી કરાયું નથી.જ્યારે અમેરિકાનો દાવો છે કે આ તપાસ અંગેની તમામ બાબતો અગાઉથી જ નક્કી થઈ ચૂકી હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આકરો વલણ અપનાવતા કહ્યું કે, જો ઈરાન પોતાની વાત પરથી મુકરશે તો ડિલ રદ થઈ શકે છે, જોકે તેમણે ઉમેર્યું કે તપાસ શરૂ કરવામાં કોઈ ઉતાવળ નથી.મોટી અને અંતિમ ડીલ સુધી પહોંચવા માટે બંને પક્ષોને ૬૦ દિવસનો સમય મળ્યો છે. ઈરાન સતત એવો દાવો કરી રહ્યું છે કે તેનો પરમાણુ કાર્યક્રમ માત્ર શાંતિપૂર્ણ હેતુઓ માટે જ છે, પરંતુ નિષ્ણાતોના મતે તેની પાસે એટલું યુરેનિયમ ઉપલબ્ધ છે જેનાથી પરમાણુ બોમ્બ બનાવી શકાય છે.આ રાજદ્વારી તણાવ વચ્ચે દરિયાઈ સુરક્ષાને લઈને પણ મોટા સમાચાર આવ્યા છે. ઇન્ટરનેશનલ મેરિટાઇમ ઓર્ગેનાઇઝેશન એ માહિતી આપી છે કે હોર્મુઝ સ્ટ્રેટ માં ફસાયેલા હજારો જહાજોના આશરે ૧૧,૦૦૦ જેટલા ક્રૂ મેમ્બર્સ ને સુરક્ષિત બહાર કાઢવા માટેનો પ્લાન શરૂ કરી દેવામાં આવ્યો છે. આ વિસ્તારમાં ચાલી રહેલા સૈન્ય તણાવને કારણે વૈશ્વિક વેપાર અને શિપિંગ ઉદ્યોગ પર ભારે અસર પડી રહી છે.આ સમગ્ર વિવાદ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાન પાકિસ્તાનની મુલાકાતે ઇસ્લામાબાદ પહોંચ્યા છે અને ત્યાં તેમણે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી સાથે બેઠક કરી હતી. આ યુદ્ધ જેવી સ્થિતિ શરૂ થયા બાદ તેમની આ પ્રથમ પાકિસ્તાન મુલાકાત છે. પાકિસ્તાની મધ્યસ્થીઓ આ વિવાદને શાંત કરવાના પ્રયાસો કરી રહ્યા હોવાનું મનાય છે. પેઝેશકિયાને મીડિયા સમક્ષ સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા-ઈરાન સમજૂતીમાં ઈરાનના મિસાઈલ પ્રોગ્રામ નો કોઈ ઉલ્લેખ નથી.હાલમાં સ્વિટ્ઝર્લેન્ડમાં ચાલી રહેલી આ વાટાઘાટો માટે પરમાણુ મુદ્દા, પ્રતિબંધો હટાવવા, પુનઃનિર્માણ અને મોનિટરિંગ જેવા વિષયો પર અલગ-અલગ વર્કિંગ બનાવીને આગળની ચર્ચા ચલાવવામાં આવી રહી છે.

