કોઈ પગલાં ન લેવાય તો તા.11 જુલાઇની લોક અદાલતનો બહિષ્કાર કરવાનો ઠરાવ
Rajkot
બાર એસો.ની કારોબારીની મળેલી મિટિંગમાં વકીલો સાથે બે જજીસના ગેરવર્તન, અપમાન પ્રશ્ને કોઈ પગલાં લેવામાં ન આવતા વકીલો દ્વારા તા. 29ને સોમવારે શહેરની તમામ કોર્ટનો બહિષ્કાર કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. ત્યારબાદ પણ કોઈ પગલાં ન લેવાય તો તા. ૧૧/ ૭/ ૨૦૨૬ના રોજ યોજાનારી લોક અદાલતનો પણ બહિષ્કાર કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. બાર એસોસિએશનના સૂત્રોના જણાવ્યા મુજબ,બાર એસોસિએશનની તા. ૧૮/ ૬/ ૨૦૨૬ના રોજ સામાન્ય સભામાં રાજકોટની અદાલતોના બે જ્યુડિશિયલ ઓફિસરોની કોર્ નો બહીષ્કાર કરવાનો સર્વાનુમતે ઠરાવ કરવામાં આવેલ. તેમજ પ્રિન્સિપલ ડિસ્ટ્રિકટ જજ સમક્ષ રજુઆત પણ કરવામાં આવી હતી.
પરંતુ આજ દિવસ સુધી કોઇ પગલાં લઇ વકીલોના પ્રશ્નોનું નિરાકરણ આવેલ ન હોય, જેથી આજરોજ હાજર રહેલ સભ્યો તથા વીડીયો કોન્ફરન્સથી મીટીંગ બોલાવવામા આવેલ, જેમાં વકીલોના પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા બાદ તા. ૨૯/ ૬/ ૨૦૨૬ના સોમવારના રોજ એક દિવસ તમામ કોર્ટ, ફેમિલી કોર્ટ તેમજ બાળ અદાલત સહીતની કોર્ટોમાં કોર્ટ કાર્યવાહીથી તમામ વકીલોએ અલિપ્ત રહેવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું છે. તેમજ જ્જીસને તા. ૨૯/ ૬/ ૨૦૨૬ સોમવારના રોજ કોર્ટોમાં ચાલતા કેસોમાં પક્ષકારોને નુકશાન ન જાય તે રીતે તમામ કેસોની યથાવત પરિસ્થિતિ જાળવવા તેમજ વકીલોની ગેરહાજરીમાં કોઈ કેસોમાં કોઈ પણ જાતનો હુકમ ન ફરમાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વકીલોના પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો આગામી તા. ૧૧/૭/૨૦૨૬ની લોક અદાલતનો પણ બહીષ્કાર કરવાનું ઠરાવવામાં આવેલ છે.

