New Delhi, તા. 25
ભારતનાં અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામે અમેરિકામાં નોંધાયેલા ક્રિમિનલ આરોપોને સત્તાવાર રીતે રદ કરવા માટે તેમનાં વકીલોએ યુએસ કોર્ટનાં ન્યાયાધીશને પત્ર લખીને રજૂઆત કરી છે.
અદાણીના વકીલ રોબર્ટ ગિઉફ્રાએ બ્રુકલિન સ્થિત યુએસ ડિસ્ટ્રિક્ટ જજ નિકોલસ ગારૌફિસને 24 જૂનના રોજ એક પત્ર મોકલ્યો છે. આ પગલું યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા ગત મહિને આ કેસમાં આગળ કોઈ કાનૂની કાર્યવાહી ન કરવાની અને કેસ પડતો મૂકવાની સત્તાવાર જાહેરાત કર્યા બાદ લેવામાં આવ્યું છે. અદાણી ગ્રુપ શરૂઆતથી જ આ સમગ્ર પ્રકરણમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે ખોટું કામ કર્યાના આરોપોને સતત નકારતું આવ્યું છે.
અદાણીના વકીલે પત્રમાં સ્પષ્ટ આર્ગ્યુમેન્ટ કરી છે કે, આ સમગ્ર મામલો અમેરિકાનાં કાયદાકીય અધિકારક્ષેત્ર (જ્યુરિસ્ડિક્શન)ની બહારનો છે. આ ઉપરાંત, પ્રોસિક્યુશન પક્ષ ભારતમાં કથિત રીતે અપાયેલી લાંચના આરોપોને સાબિત કરવા માટે સક્ષમ નથી,
તેથી આ કેસને સદંતર ફગાવી દેવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024માં ગૌતમ અદાણી અને તેમની કંપની પર એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેમણે ભારતમાં સોલાર પ્લાન્ટના પ્રોજેક્ટની મંજૂરી મેળવવા માટે સરકારી અધિકારીઓને લાંચ આપવા અંગે સહમતી દર્શાવી હતી અને આ અંગે યુએસ રોકાણકારોને ગેરમાર્ગે દોર્યા હતા.
વકીલોના જણાવ્યાં અનુસાર, અદાણી અને તેમના સહ-આરોપીઓના કાઉન્સિલ સાથે મહિનાઓ સુધી ચાલેલી વિગતવાર બેઠકો અને વ્યાપક ચર્ચા-વિચારણા બાદ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે આ કેસ પડતો મૂકવાનો નિર્ણય કર્યો હતો.
ક્રિમિનલ કેસની સાથે સાથે, વકીલોએ જજ નિકોલસને યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) દ્વારા લાવવામાં આવેલાં સિવિલ ચાજીર્સને પણ સત્તાવાર રીતે રદ કરવા વિનંતી કરી છે.
આ સિવિલ કેસમાં રેગ્યુલેટર સાથે એક સેટલમેન્ટ થઈ ચૂક્યું છે, જે અંતર્ગત ગૌતમ અદાણી 6 મિલિયન ડોલર અને તેમનાં ભત્રીજા સાગર અદાણી 12 મિલિયન ડોલરની ચુકવણી કરશે.
આ સિવાય, અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડે ઈરાન પરના અમેરિકી પ્રતિબંધોના કથિત ઉલ્લંઘન મામલે ચાલી રહેલાં વિવાદને ઉકેલવા માટે અમેરિકી ટ્રેઝરી ડિપાર્ટમેન્ટને અલગથી 275 મિલિયન ડોલર ચૂકવવાની સહમતી દર્શાવી છે.

