Washington,તા.૨૫
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જ્યારે ઈરાની શાળા પર મિસાઈલ હુમલામાં અમેરિકાની ભૂમિકા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તે સમયે સમગ્ર વિસ્તારમાં મિસાઈલ છોડવામાં આવી રહી હતી, તેથી હુમલો કોણે કર્યો તે સ્પષ્ટ નથી. ઈરાની મીડિયા અનુસાર, આ હુમલામાં ૭૩ છોકરાઓ, ૪૭ છોકરીઓ, ૨૬ શિક્ષકો અને અન્ય ઘણા લોકો માર્યા ગયા હતા. ટ્રમ્પે આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી. પરંતુ હજુ સુધી એવા કોઈ પુરાવા મળ્યા નથી કે તે અમેરિકન મિસાઇલ હતી.
ઈરાન સાથેની વાતચીત દરમિયાન અમેરિકાએ ગલ્ફ દેશોના હિતોનું રક્ષણ કરવાનું વચન આપ્યું છે. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ કહ્યું કે વોશિંગ્ટન તેના ગલ્ફ સાથીઓના હિતોનું રક્ષણ કરશે. પશ્ચિમ એશિયામાં સંઘર્ષના કાયમી ઉકેલ અંગે ઈરાન સાથે આ વાટાઘાટો થઈ રહી છે. રુબિયો હાલમાં ગલ્ફ દેશોને આશ્વાસન આપવા માટે આ ક્ષેત્રના પ્રવાસ પર છે.
યુદ્ધ દરમિયાન, તેહરાને મિસાઇલો અને ડ્રોનથી આ ગલ્ફ દેશોને નિશાન બનાવ્યા હતા. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ પણ બંધ કરી દીધી હતી, જેનાથી તેલ અને ગેસનો પુરવઠો અવરોધાયો હતો. યુદ્ધ પછી ઈરાને વધુ વિશ્વાસ દર્શાવ્યો છે. તેણે કહ્યું છે કે તે આ મહત્વપૂર્ણ જળમાર્ગ પર નિયંત્રણ છોડશે નહીં. ઈરાને અમેરિકા સાથેના પ્રારંભિક કરારને અમેરિકાની હાર તરીકે પણ વર્ણવ્યો છે.
કુવૈત સિટીની મુલાકાત દરમિયાન, માર્કો રુબિયોએ જણાવ્યું હતું કે અમેરિકા અને ગલ્ફ દેશો આ મુદ્દા પર એક જ પાના પર આગળ વધી રહ્યા છે. તેમણે કહ્યું કે અમેરિકા અને ગલ્ફ દેશો ઈરાન સાથે કાયમી ઉકેલ શોધવા માટે સાથે મળીને કામ કરશે.

