Surendranagar તા.26
તા.26 અને 27 જૂન 2026ના રોજ મહોરમ-તાજીયાનો તહેવાર મનાવવામાં આવનાર છે. આ તહેવાર અંતર્ગત સુરેન્દ્રનગર શહેરના સીટી `એ’, સીટી `બી’ તથા જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારના કુલ 28 જેટલા તાજીયાઓનું ઝુલુસ ટાવર, ટાંકી ચોક, જવાહર ચોક, જેલચોક, કોર્ટ અને કલેકટર કચેરીથી ટાવર સુધીના રૂટ પર પરંપરાગત રીતે નીકળનાર છે.
આ ધાર્મિક પ્રસંગે આશરે 6000 થી 8000 જેટલા લોકો એકત્રિત થવાની સંભાવના રહેલી છે. જેને પગલે સુરેન્દ્રનગર શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રૂપે જળવાઈ રહે અને કોઈ આકસ્મિક બનાવ ન બને તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વી.ડી. સાકરીયા દ્વારા એક જાહેરનામું બહાર પાડીને તાજીયાના રૂટ પર વાહનોની અવર-જવર માટે પ્રતિબંધ અને ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે.
આ આદેશ તા.26/06ના રોજ સાંજે 16 થી રાત્રે 24 કલાક સુધી તથા તા.27/06ના રોજ બપોરે 12 થી રાત્રે 24 કલાક સુધી અમલી રહેશે. જાહેરનામા અનુસાર, મોટા વાહનો માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જે અંતર્ગત ધ્રાંગધ્રા તરફથી આવીને રાજકોટ તરફ જવા માંગતા મોટા વાહનોએ બહુચર હોટલથી ઓવરબ્રીજ થઈ, આંબેડકર ચોકથી રિવરફ્રન્ટ રોડ પર થઈને ન્યુ સર્કીટ હાઉસ પાસેથી રાજકોટ હાઇવે તરફ જવાનું રહેશે.
તેવી જ રીતે રાજકોટ તરફથી આવીને ધ્રાંગધ્રા તરફ જતા મોટા વાહનો માટે સર્કીટ હાઉસથી જિલ્લા પંચાયત ત્રણ રસ્તા, રિવરફ્રન્ટ થઈ વાળીનાથ સર્કલ અને આંબેડકર ચોકથી ઓવરબ્રીજ થઈને બહુચર હોટલથી ધ્રાંગધ્રા તરફ જવાનો રૂટ નક્કી કરાયો છે.
નાના વાહનો માટે પણ ડાયવર્ઝનની વિગતવાર વ્યવસ્થા કરવામાં આવી છે. દુધરેજ તરફથી આવી જોરાવરનગર કે રતનપર જવા માંગતા નાના વાહનો બહુચર હોટલથી જે.પી.બેગ ત્રણ રસ્તા, એન.ટી.એમ સર્કલ, પતરાવાળી ચોક થઈ પરશુરામ સર્કલથી રેલ્વે અંડરબ્રીજ થઈને આંબેડકર ચોકથી રિવરફ્રન્ટ તરફ જઈ શકશે.
જ્યારે જોરાવરનગર અને રતનપરથી દુધરેજ તરફ આવતા નાના વાહનો માટે રિવરફ્રન્ટથી આંબેડકર ચોક ઓવરબ્રીજ થઈ બહુચર હોટલ થઈને દુધરેજ રોડ તરફ જવાનો માર્ગ ખુલ્લો રહેશે.
આ જાહેરનામાના સુચારૂ અમલ માટે સ્થાનિક વહીવટી તંત્ર અને સંસ્થાઓને પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. મહાનગરપાલિકાને સંબંધિત રૂટો પર જરૂરી સાઇનબોર્ડ, બેરીકેટ્સ લગાવવા તેમજ રસ્તાની મરામત કરવા જણાવાયું છે. આ ઉપરાંત, તાજીયાના રૂટ પર નીચા કે લટકતા વીજ વાયરો તેમજ નમી ગયેલા વીજ પોલને તાત્કાલિક અસરથી દૂર કરવા પી.જી.વી.સી.એલ. ને આદેશ અપાયો છે.
આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ભંગ કરવામાં મદદગારી કરનાર તમામ ઈસમો વિરૂદ્ધ ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-131 હેઠળ શિક્ષાત્મક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

