Rajkot,તા.26
રાજકોટમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મહોરમ પર્વની શ્રધ્ધા, આસ્થા તથા કોમી એકતાના માહોલમાં ઉજવણી થઈ રહી છે. ગઈરાતે નીકળેલા કલાત્મક તાજીયાના ઝુલુશમાં કોમી એકતાના દર્શન થયા હતા.
ગઈકાલે જોહરની નમાઝ બાદ તમામ તાજીયાઓ ઈમામ ખાનામાંથી બહાર આવ્યા હતા અને સાંજે પોતપોતાના સ્થાનો પર માતમમાં ગયા હતા. ગઈકાલે મોડી રાતે લાઈનદોરી અનુસાર રાજકોટમાં ભવ્ય ઝુલુશ નીકળ્યું હતું. આખી રાત કલાત્મક તાજીયા ફર્યા હતા. જેમાં કોમી એકતાના દર્શન થયા હતા.
આજે શુક્રવારના જુમ્માની નમાઝ બાદ તાજીયા પોતપોતાના સ્થાનો પરના માતમમાંથી ઉપડીને રૂટ મુજબ નીકળ્યા હતા અને રૂટ મુજબ ફરશે. આજે મોડી રાતના તાજીયા ઠંડા થશે. રામનાથપરાના તાજીયા વહેલી સવારે ઠંડા થશે.
સમસ્ત મુસ્લિમ સમાજમાં આશુરાહ મનાવાયો હતો. મુસ્લિમ બિરાદરોએ આજે હઝરત ઈમામ હુસેનની શહાદતનો શોક મનાવ્યો હતો. આજના દિવસનું સમસ્ત મુસ્લિમ સમાજમાં અનેરૂ મહત્વ છે.
ખડી ચોકી
મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર મહોરમમાં હઝરત ઈમામ હુસેન તથા કરબલાના 72 શહીદોની યાદમાં પર્વ મનાવાઈ છે. ગઈકાલે તાજીયાના દિદાર કરવા દુર-દુરથી હિન્દુ-મુસ્લિમ ભાઈ બહેનો આવેલા હતા. શ્રધ્ધાળુઓએ પોતાની માનતા પુરી કરવા ફુલ, અગરબતી, નાળીયેર ચઢાવીને માનતા પુરી કરી હતી.
ખડી ચોકી એટલે તાજીયા માતમમાંથી લાઈનદોરીમાં આવે અને માતમમાં ન આવે ત્યાં સુધી તાજીયાની સાથે સતત રહેવાનું, ઉભા રહેવાનું જયાં સુધી તાજીયા માતમમાં આવે ત્યાર પછી બેસવાનું હોય છે. આને ખડી ચોકીની માનતા કહેવાય છે.
રાજકોટમાં મહોરમનો તહેવાર કોમી એકતા તથા ભાઈચારા સાથે ઉજવાય છે. કોઠારીયા કોલોનીના તાજીયા `મંજુરે ઈલાહી’ના તાજીયાના દર્શન કરવા મોટી સંખ્યામાં મુસ્લિમ બીરાદરો તથા હિન્દુ ભાઈ બહેનો આવેલા હતા. આમ ન્યાઝ, ધમાલ પાર્ટી દ્વારા હેરતભર્યા દાવ તથા સન્માનના કાર્યક્રમો યોજાયા હતા.
જયારે જંગલેશ્વર વિસ્તારમાં બનતા કલાત્મક તાજીયા સતત 24મા વર્ષે માતમમાં રહ્યા હતા, પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. ઉપરોકત તસ્વીરોમાં કલાત્મક તાજીયાઓ દ્દષ્ટિગોચર થાય છે તેમજ શ્રધ્ધાળુઓ પણ જોવા મળે છે.

