Surendranagar, તા.26
સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ગામ પાસેથી થાનગઢ પોલીસે ગેરકાયદેસર કાર્બોસેલ ખનીજ ભરેલું એક ડમ્પર ઝડપી પાડ્યું છે. આ કાર્યવાહીમાં ડમ્પર ચાલક જયંતી દેગામાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે વાહન અને ખનીજ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
બાતમીના આધારે પોલીસે તરણેતર મહાદેવ મંદિર પાસે વોચ ગોઠવી હતી. સામેથી આવતા ડમ્પર (રજીસ્ટ્રેશન નંબરઃ GJ.13 AX 8097) ને રોકીને તેની તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન ડમ્પરની અંદર પાસ-પરમિટ વગરનું કાર્બોસેલ ખનીજ ભરેલું હોવાનું જણાયું હતું. પોલીસે તાત્કાલિક ડમ્પર અને ખનીજ જપ્ત કરી, ચાલક જયંતીભાઈ કાંતિભાઈ દેગામાની ધરપકડ કરી હતી.
થાનગઢ પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કડક કાર્યવાહીથી જિલ્લામાં ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

