Rajkot,તા.26
રાજકોટના ભકિતનગર, કોઠારીયા અને આજી ડેમના 45 સોસાયટી વિસ્તારોમાં લાગુ કરાયેલા અશાંતધારાની મુદત આવતીકાલે તા.27ને શનિવારે પૂર્ણ થતી હોય રાજય સરકારના મહેસુલ વિભાગ દ્વારા આ તમામ સોસાયટી વિસ્તારોમાં પાંચ વર્ષ માટે એટલે કે તા.27 જૂન 2031 સુધી અશાંત ધારાની મુદત લંબાવી દેવામાં આવી છે. આ અંગે રાજકોટ કલેકટર તંત્રને પણ જાણ કરી દેવામાં આવી છે.
શહેરના આ 45 સોસાયટી વિસ્તારોમાં અશાંતધારાની નવી મુદત વધારાની અમલવારી તા.28ને રવિવારથી થશે. અહીં એ ઉલ્લેખનીય છે કે અશાંત ધારાનો કાયદો સાંપ્રદાયિક સંવેદનશીલતા ધરાવતા વિસ્તારોમાં શાંતિ જાળવવા તેમજ કોઈ એક ચોકકસ સમુદાય દ્વારા અન્ય સમુદાયોની મિલ્કતોના ગેરકાયદેસર કબ્જા કે બળજબરીથી થતા વેચાણને અટકાવવા માટે અમલી બનાવવામાં આવેલ છે.
આ કાયદા હેઠળ જાહેર કરાયેલા વિસ્તારોમાં કોઈપણ મિલ્કત (જમીન કે મકાન) વેચવા માટે જીલ્લા કલેકટરની પૂર્વ મંજૂરી લેવી આવશ્યક બનાવવામાં આવી છે. શહેરના ભકિતનગર પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ 30 જેટલી સોસાયટીઓ, તેમજ આજીડેમ પોલીસ સ્ટેશન હેઠળના 15 જેટલા સોસાયટી વિસ્તારો મળી કુલ 45 સોસાયટી વિસ્તારોને આ અશાંત ધારાના કાયદા હેઠળ આવરી લેવામાં આવેલ છે.
જેમાં આજી ડેમ પોલીસ સ્ટેશન હેઠળ આવતા વોર્ડ નં.18ના કોઠારીયાના ટીપી સ્કીમ અને રેવન્યુ સર્વે નંબર ધરાવતા વિસ્તારોને આવરી લેવામાં આવેલ છે. જેમાં તીરૂપતી સોસાયટી (ટીપી-12 ડ્રાફટ, એફપી (4/1થી 4/4) રણુજાધામ સોસાયટી, ગોકુલપાર્ક, કૈલાશ ઈન્ડ. વિસ્તાર, જુનું ગણેશનગર, સનાતન પાર્ક સોસાયટી, શિવધારા પાર્ક, રામનગર સોસાયટી, ગણેશનગર, રામરણુજા સોસાયટી, માધવ રેસીડેન્સી, સહિતના 15 સોસાયટી વિસ્તારોને આવરી લેવાયા છે.
તેની સાથોસાથ ભકિતનગર પોલીસ સ્ટેશન હેઠળ આવતા નિલકંઠ પાર્ક, મેહુલનગર, દેવપરા, ગોકુલનગર, મેઘાણીનગર, ન્યુ કેદારનાથ, સર્વોદય સોસાયટી, સોરઠીયાવાડી, વિવેકાનંદ, સાગર સોસાયટી, ન્યુ સાગર સોસાયટી, કેદારનાથ ધામ સોસાયટી, પુનીત સોસાયટી, પટેલનગર સોસાયટી, મહેશ્વરી સોસાયટી, પરસાણા સોસાયટી, નવદુર્ગા રોડ, તક્ષશિલા સોસાયટી, યાદવનગર સોસાયટી, શિયાણી સોસાયટી, કીર્તિધામ, ભોજલરામ સોસાયટી, મારૂતીનગર, નાડોદા નગર, સીતારામ સોસાયટી, રાધાકૃષ્ણનગર, હુડકો અને દિપ્તીનગર કુલ 30 સોસાયટી વિસ્તારોમાં આ અશાંતધારા લાગુ કરવામાં આવેલ છે.
અશાંત ધારા વાળા આ 45 જેટલા સોસાયટી વિસ્તારોમાં મિલ્કતો (મકાન-દુકાન અને જમીન)ના વેચાણ માટે કલેકટરની મંજૂરી લેવી ફરજીયાત કરવામાં આવી છે. મિલ્કતોના ખરીદ વેચાણ માટે પોલીસ અભિપ્રાય પણ માંગવામાં આવે છે.
આ ઉપરાંત મિલ્કત લેનાર અને વહેંચનારની સુનાવણી પ્રાંત અધિકારી દ્વારા હાથ ધરવામાં આવે છે. જે બાદ યોગ્ય હોય તો જ મિલ્કતોના ખરીદી વેચાણ માટે મંજૂરી આપવામાં આવે છે.
શહેરના ભકિતનગર, કોઠારીયા અને આજી ડેમના 45 સોસાયટી વિસ્તારોમાં અશાંત ધારાની મુદત આવતીકાલે તા.27ને શનિવારના રોજ પૂર્ણ થતી હોય રાજય સરકારના મહેસુલ વિભાગ દ્વારા ઉપરોકત તમામ 45 સોસાયટી વિસ્તારોમાં અશાંત ધારાની સમય અવધી હવે તા.27 જુન 2031 સુધી પાંચ વર્ષ માટે લંબાવી દેવામાં આવી છે.

