માવજીના સોસાયટીથી બસ સ્ટેન્ડ સુધીની ગટર કચરા-મૃત પશુઓથી ઉભરાઈ
જીજ્ઞેશ પટેલ Manavadar તા.૨૬
માણાવદર નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીના પોકળ દાવાઓની પોલ ખુલ્લી પડી ગઈ છે. શહેરના માવજીના સોસાયટીથી લઈને છેક બસ સ્ટેન્ડ સુધીની મુખ્ય ગટર છેલ્લા ઘણા સમયથી સાફ કરવામાં આવી નથી. પરિણામે સ્થાનિક રહીશો અને રાહદારીઓ નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે.
આ મુખ્ય ગટર હાલમાં કચરાથી સંપૂર્ણપણે ભરાઈ ગઈ છે અને પાણીનો નિકાલ તદ્દન બંધ થઈ ગયો છે. ગટરમાં પ્લાસ્ટિકની બોટલો, કોથળીઓ અને અન્ય કચરાના મોટા ઢગલા સ્પષ્ટપણે જોઈ શકાય છે. તંત્ર દ્વારા ચોમાસા પહેલાં કરવાની થતી કોઈ જ પ્રી-મોન્સૂન સફાઈ અત્રે કરવામાં આવી નથી, જેના કારણે ગંદા પાણી ગમે ત્યારે રોડ પર કે લોકોના ઘરોમાં ફરી વળે તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે.
સ્થિતિ ત્યારે વધુ ચિંતાજનક બની જ્યારે આ ગંદકીની વચ્ચે એક મૃત પશુ (ભૂંડ) પણ આવીને પડ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી આ મૃત પશુ ગટરમાં સડી રહ્યું હોવા છતાં તેને હટાવવાની નગરપાલિકાએ કોઈ તસ્દી લીધી નથી. આના કારણે સમગ્ર વિસ્તારમાં અસહ્ય અને માથું ફાડી નાખે તેવી દુર્ગંધ ફેલાઈ રહી છે. ચોમાસાની શરૂઆતમાં જ મચ્છરો અને માખીઓનો ઉપદ્રવ અતિશય વધી જતાં, સ્થાનિકોમાં ડેન્ગ્યુ, મલેરિયા અને ડાયરિયા જેવા ગંભીર રોગચાળો ફેલાવવાનો ભારે ભય વ્યાપી ગયો છે.
રફીકભાઈ હિંગરોઝા અને અક્ષય કટારીયાએ આ બાબતે નગરપાલિકાને વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ જ સકારાત્મક પગલાં લેવામાં આવ્યા નથી. આ ગંભીર સમસ્યા અંગે જ્યારે મીડિયા દ્વારા માણાવદર નગરપાલિકાના ચીફ ઓફિસર બી.પી. બોરખતરીયાનો બે વખત ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ત્યારે જવાબદારીમાંથી છટકતા હોય તેમ તેમણે બંને વખત ફોન કટ (કાપી) નાખ્યો હતો.
અધિકારીના આવા નકારાત્મક અને બેજવાબદાર વલણને કારણે સ્થાનિક જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે જ્યારે જવાબદાર અધિકારીઓ જ જનતાની સમસ્યા સાંભળવા કે ફોન ઉપાડવા તૈયાર નથી, ત્યારે શું તંત્ર કોઈ મોટી હોનારત કે રોગચાળો ફેલાય તેની રાહ જોઈ રહ્યું છે? તેવા વેધક સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. સ્થાનિકોએ તાકીદે આ ગટર સાફ કરવા અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાની ઉગ્ર માંગ કરી છે. પ્રાદેશિક કમિશનર કચેરી ભાવનગરના કમિશનર એક વખત માણાવદરની મુલાકાત લે અને સાચી પરિસ્થિતિનો તાગ મેળવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. માણાવદર હાલ અત્યારે નરકાગાર જેવી સ્થિતિમાં છે! શું પ્રાદેશિક કમિશનર લોકોના પ્રશ્નો સાંભળવા માણાવદર આવશે ખરા?

