Suart,તા.૨૬
પાંડેસરા વિસ્તારના પ્રેમનગરમાં બનેલી હત્યાની ઘટનાનો પાંડેસરા પોલીસે ઝડપી ભેદ ઉકેલી આરોપી મિત્રની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સામાન્ય બોલાચાલી અને ગુસ્સાના કારણે મિત્રએ જ પોતાના મિત્ર પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી તેની હત્યા કરી હતી.
પોલીસ તપાસ મુજબ મૃતક અને આરોપી બંને મિત્રો હતા અને ઘટના પહેલા બંને મહિધરપુરા વિસ્તારમાં જમવા માટે ગયા હતા. જમવા બેઠા હતા તે દરમિયાન મૃતકના ભાઈનો ફોન આવ્યો હતો, જેમાં તેને ડીંડોલી લેવા આવવા માટે કહેવામાં આવ્યું હતું. ફોન મળતા મૃતક પોતાના મિત્રને ત્યાં જ છોડીને ડીંડોલી તરફ નીકળી ગયો હતો.
આ ઘટનાથી આરોપી મિત્રને ભારે રોષ આવ્યો હતો. ત્યારબાદ તેણે લિફ્ટ લઈને પ્રેમનગર વિસ્તારમાં પહોંચ્યો, જ્યાં મૃતક ફરી મળ્યો હતો. અહીં બંને વચ્ચે “તું મને ત્યાં શા માટે છોડીને જતો રહ્યો?” જેવા મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી દરમિયાન આરોપીએ પોતાના પાસે રહેલા ચપ્પાથી મૃતક પર તાબડતોબ હુમલો કર્યો હતો.
ચપ્પાના ગંભીર ઘા વાગતા મૃતક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સ્થાનિક લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ પાંડેસરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.
પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને આસપાસના સીસીટીવી ફૂટેજ, સાક્ષીઓના નિવેદનો તેમજ અન્ય ટેકનિકલ પુરાવાના આધારે તપાસ શરૂ કરી હતી. ઝડપી તપાસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે હત્યામાં સંડોવાયેલા મિત્રને શોધી કાઢ્યો અને તેની ધરપકડ કરી લીધી. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ ગુનો કબૂલી લીધો હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ હવે હત્યામાં વપરાયેલ ચપ્પો સહિત અન્ય પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી કરી રહી છે. આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર દર્શાવ્યું છે કે ક્ષણિક આવેશ અને ગુસ્સો કેટલી ગંભીર અને દુઃખદ ઘટના સર્જી શકે છે. પાંડેસરા પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

