Surat,તા.૨૩
Suratમાં વર્ષ ૨૦૧૮ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલા વધુ બે કેસોમાં મહત્વપૂર્ણ કાનૂની વિકાસ સામે આવ્યો છે. Suratની અદાલતે રાજ્ય સરકારની અરજી સ્વીકારીને આ બંને કેસ પરત ખેંચવાની મંજૂરી આપી છે. આ નિર્ણય બાદ હાર્દિક પટેલ , અલ્પેશ કથીરિયા સહિત અનેક આગેવાનો અને કાર્યકરોને રાહત મળી છે.
મળતી માહિતી અનુસાર, વર્ષ ૨૦૧૮માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન કેટલાક કાર્યકરોની ધરપકડ બાદ તેઓ જામીન પર મુક્ત થયા હતા. ત્યારબાદ તેમના સ્વાગત માટે મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દરમિયાન જાહેર માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થાને અસર પહોંચતા પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ મામલે વરાછા પોલીસ દ્વારા વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જેમાં હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા , ધાર્મિક માલવિયા , જયદીપ પોલરા, કૃણાલ સરધારા , પંકજ સિદ્ધપુરા , સંજય માવાણી સહિત અનેક આગેવાનોના નામ સામેલ હતા. ઉપરાંત મોટી સંખ્યામાં કાર્યકરોને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા.
રાજ્ય સરકાર તરફથી કેસ પરત ખેંચવા માટે અદાલતમાં અરજી કરવામાં આવી હતી. સરકારપક્ષે રજૂઆત કરી હતી કે આ ઘટનામાં ટ્રાફિક અવરોધ સંબંધિત મુદ્દો મુખ્ય હતો અને તેમાં જાહેર હિતને ધ્યાનમાં રાખીને કેસ ચાલુ રાખવાની જરૂરિયાત જણાતી નથી. સાથે જ રજૂ કરાયેલા તથ્યો અને કાનૂની જોગવાઈઓના આધારે કેસ પરત ખેંચવાની માંગ કરવામાં આવી હતી.
સુરતના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે સરકારની અરજી સ્વીકારીને કેસ પરત ખેંચવાની મંજૂરી આપી હતી. કોર્ટે પોતાના નિર્ણયમાં નોંધ્યું હતું કે ઉપલબ્ધ પુરાવા અને કાનૂની પરિસ્થિતિને ધ્યાને લેતા કેસની કાર્યવાહી આગળ વધારવી જાહેર હિતમાં જરૂરી જણાતી નથી. આ ચુકાદા બાદ પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા અનેક જૂના કેસોમાં કાનૂની પ્રક્રિયાને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે. આંદોલનના આગેવાનો અને કાર્યકરો માટે આ નિર્ણયને મહત્વપૂર્ણ રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે.

