Surat,તા.૧૯
ગુજરાતમાં નકલી ખાદ્યપદાર્થો અને બ્રાન્ડેડ વસ્તુઓના કૌભાંડો વચ્ચે હવે Suratમાંથી નકલી વોશિંગ પાઉડર બનાવવાનો મોટો મામલો સામે આવ્યો છે. સુરતના ઉત્રાણ વિસ્તારમાં પોલીસે જાણીતી ડિટર્જન્ટ બ્રાન્ડ ‘એરિયલ’ના નામે ડુપ્લિકેટ પાઉડર તૈયાર કરતી એક ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન ત્રણ શખ્સોની અટકાયત કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, મોટા વરાછા આઉટર રિંગ રોડ નજીક આવેલા એક ગોડાઉનમાં જાણીતી કંપનીના નામે નકલી વોશિંગ પાઉડર તૈયાર થતું હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે એરિયલ કંપનીના પ્રતિનિધિઓ અને ઉત્રાણ પોલીસની ટીમે સંયુક્ત રીતે દરોડા પાડ્યા હતા.
દરોડા દરમિયાન ગોડાઉનની અંદર મોટા પાયે ડુપ્લિકેટ પાવડર બનાવવાની કામગીરી ચાલી રહી હોવાનું સામે આવ્યું હતું. આરોપીઓ બ્રાન્ડેડ કંપનીના નામે નકલી પાઉડર તૈયાર કરીને તેને અસલી તરીકે બજારમાં વેચતા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
પોલીસે સ્થળ પરથી એરિયલ કંપનીના લોગો ધરાવતા ખાલી અને ભરેલા પેકેટ, નકલી સ્ટીકરો, પેકિંગ માટેના બોક્સ તેમજ અન્ય કાચા માલસામાન સહિતનો મોટો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ઉપરાંત ગોડાઉનમાં તૈયાર કરવામાં આવતો પાઉડર પણ જપ્ત કરવામાં આવ્યો છે.
ઉત્રાણ પોલીસે આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા ત્રણ શખ્સોની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. તપાસ એ દિશામાં પણ ચાલી રહી છે કે આ નકલી પાઉડર સુરત ઉપરાંત અન્ય શહેરોમાં પણ સપ્લાય કરવામાં આવતો હતો કે નહીં અને આ સમગ્ર રેકેટ પાછળ અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે.

