રશિયાના કબજા હેઠળના ક્રિમીયામાં નેવીના બે જહાજો, એર ડિફેન્સ રડાર્સને ટાર્ગેટ બનાવ્યાં
Ukraine તા.૨૭
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લાં આશરે ચાર વર્ષથી ચાલી રહેલાં યુદ્ધનો અંત નજીકના સમયમાં આવે તેવી કોઈ શક્યતા નથી જણાઈ રહી. યુક્રેને રશિયાના કબજા હેઠળના ક્રિમીયા અને તેની આસપાસના વિસ્તારો પર અત્યાર સુધીનો સૌથી મોટો અને ભીષણ હુમલો કર્યો છે. હજારો ડ્રોનથી રાતના સમયે કરાયેલાં આ હુમલાને પગલે રશિયા છંછેડાયું છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યાં અનુસાર, તેમની એર ડિફેન્સ સિસ્ટમે આશરે ૬૬૦થી વધુ યુક્રેનિયન ડ્રોન તોડી પાડ્યાં હતાં. આ અગાઉ યુક્રેને ગત ૧૭મેના રોજ રશિયા પર ૫૫૬ ડ્રોનથી હુમલો કર્યો હતો. યુક્રેનની સિક્યુરિટી સર્વિસના જણાવ્યાં અનુસાર, તેણે ક્રિમીયામાં આવેલાં રશિયન નૌકાદળના બે જહાજ તથા એર ડિફેન્સ રડાર્સને ટાર્ગેટ બનાવ્યાં હતાં. આ હુમલાને પગલે બંને જહાજોમાં આગ ફાટી નીકળી હતી. યુક્રેનના લાંબી રેન્જ ધરાવતાં ડ્રોન્સ હવે રશિયાની ઓઈલ કંપનીઓ તથા ઉર્જા ઉત્પાદન સુવિધાઓને ટાર્ગેટ બનાવી રહ્યાં છે. યુક્રેનના આ ભીષણ હુમલાને પગલે રશિયામાં ઈંધણનો પુરવઠો અટકી જતાં ભારે મુશ્કેલી સર્જાઈ હતી. યુક્રેને મોડી રાતે કરેલાં આ હુમલામાં નોવોમોસ્કોવોસ્ક ખાતે આવેલા એક કેમિકલ પ્લાન્ટ તથા હાઈડ્રોઈલેક્ટ્રિક પ્લાન્ટમાં આગ લાગી હતી. જોકે આ મામલની કોઈ સત્તાવાર પુષ્ટી થઈ શકી નથી. મોસ્કોના મેયર સર્જેઈ સોબયાનિને જણાવ્યું હતું કે, રશિયાની રાજધાની પર ઉડતાં યુક્રેનના ૪૭ ડ્રોન્સને તોડી પડાયાં હતાં.

