CM વિજય, કમલ હાસન સહિતના દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ
Chennai, તા.૨૭
તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. જોરદાર સ્ક્રિપ્ટ રાઈટિંગ અને નિર્દેશનથી દર્શકોનાં દિલ પર રાજ કરનાર દિગ્ગજ ફિલ્મમેકર કૃષ્ણસ્વામી ભાગ્યરાજ (કે.ભાગ્યરાજ) નું શનિવારનાં રોજ હૃદયરોગના હુમલાથી નિધન થયું છે, જેમને સિનેમા જગતમાં પટકથાનાં જાદુગર માનવામાં આવતા હતા. ભાગ્યરાજનું નિધન થતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. કે. ભાગ્યરાજનાં નિધન પર દુખ વ્યક્ત કરતા ફેમસ નિર્દેશક એમ. રાજેશે સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરી છે. તેમને લખ્યું છે કે, ભગવાન તમારી આત્માને શાંતિ આપે. ફિલ્મમેકરનાં નિધનનાં સમાચાર મળતા જ લોકો સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. મુખ્યમંત્રી વિજય, કમલ હાસન સહિતના દિગ્ગજોએ શ્રદ્ધાંજલિ આપી હતી. ૭ જાન્યુઆરી ૧૯૫૩ નાં રોજ તમિલનાડુમાં જન્મેલા કે. ભાગ્યારાજે તેમનાં કરિયરમાં ૭૫થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. તે અભિનેતા હોવાની સાથે-સાથે સારા નિર્દેશક અને સ્ક્રીનપ્લેનાં પણ માસ્ટર હતા. તેમની સૌથી મોટી ખાસિયત એ હતી કે તે ગંભીર સામાજિક મુદ્દાઓને પણ બહુ સામાન્ય રીતે પડદા પર પ્રેઝન્ટ કરતા હતા. આ કારણે તેમની ફિલ્મો દર્શકોને ખૂબ પસંદ પડતી હતી.
સુપરહિટ ફિલ્મોની વાત કરવામાં આવે તો આ લિસ્ટ બહુ લાંબુ છે, જેમાં અંધા ૭ નાટકાલ, મુંધાનઈ મુદિચુ, થુરલ નિન્નુ પોચુ, ડાર્લિંગ ડાર્લિંગ ડાર્લિંગ, ઇધુ નમ્મા આલુ, ઇન્દ્રુ પોઈ નાલઈ વા, મૌના ગીથાંગલ અને રુદ્ર જેવી અનેક કલ્ટ ક્લાસિક શામેલ છે. આ ફિલ્મની કહાની દર્શકોને ખૂબ પસંદ પડી હતી. કે ભાગ્યરાજની કહાનીમાં એવો જાદુ હતો કે તેમની ફિલ્મો હિન્દી, કન્નડ, તેલુગુ અને ઓરિસ્સા સહિત અનેક ભારતીય ભાષાઓમાં ડબ તેમજ રીમેક કરવામાં આવી છે.
આમ, એક સારા લેખક અને નિર્દેશક હોવાની સાથે-સાથે ભાગ્યરાજ એક શાનદાર અભિનેતા પણ હતા, જેમને અનેક ફિલ્મોમાં લીડ રોલ પણ પ્લે કર્યો હતો. રસપ્રદ વાત તો એ છે કે હિન્દીમાં આખરી રાસ્તા નામની રિમેક બની તો તેમાં અમિતાભ બચ્ચને ડબલ રોલ નિભાવ્યો હતો. આ કલ્ટ બોલિવૂડ ફિલ્મનાં નિર્દેશનની કમાન કે.ભાગ્યરાજે સંભાળી હતી.

