મીલી ચાન્સ મળે તો બોલીવૂડની ફિલ્મોના ગીતના તાલે ડાન્સ પણ કરવા પણ તૈયાર છે
Mumbai,તા.29
હોલીવૂડ સ્ટાર મીલી બોબી બ્રાઉન ચાન્સ મળે તો બોલિવૂડમાં કોમેડી ફિલ્મ કરવા તૈયાર છે. મીલીએ તેની આગામી ઇનોલા હોમ્સ થ્રીના પ્રમોશન દરમ્યાન જણાવ્યું હતું કે ભારત તેના બકેટ લીસ્ટમાં છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે બોલીવૂડની ફિલ્મમાં ડાન્સ પણ કરવા તૈયાર છે કે કેમ ત્યારે મીલીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેને ડાન્સ કરવાનું ગમે છે. મીલીએ બોલીવૂડમાં કામ કરવાની તક મળે તો કોઇપણ પ્રકારની ફિલ્મ કરવા તે તૈયાર હોવાનું જણાવ્યું હતું.
તેણ ઉમેર્યું હતું કે હું ફની ગર્લ હોઇ મને કોમેડી ફિલ્મ કરવાનુ ગમશે.
શેરલોક હોમ્સની નાની બહેન ઇનોલા હોમ્સને યંગ ડિટેક્ટિવ તરીકે ચમકાવતી પહેલી ફિલ્મ ૨૦૨૦માં આવી હતી. જેમાં મીલીએ ઇનોલા હોમ્સની ભૂમિકા ભજવી હતી. નેન્સી સ્પ્રિંગરની ધ ઇનોલા હોમ્સ મિસ્ટરી સિરિઝની પહેલી નવલકથા પરથી આ ફિલ્મ બનાવવામાં આવી છે. તેની સિકવલ ૨૦૨૨માં આવી હતી અને હવે ત્રીજો ભાગ પહેલી જુલાઇએ ઓટીટી પર આવી રહ્યો છે.
મીલીએ જણાવ્યું હતું કે પહેલાં બે ભાગ ઇનોલા હોમ્સ વન અને ટુમાં બહું એક્શન સીન હતા. તેમાં હાથપાઇ કરવાની હોય તેવા ઘણાં સીન હોઇ મારા માટે આ મુશ્કેલ કામ હતું. આ વખતે મારે હાથમાં ગન પકડવાનો સીન પણ કરવો પડયો છે.

