Mumbai,તા.29
દિગ્ગજ લાવણી અને તમાશા કલાકાર વિઠાબાઈ નારાયણગાંવકરના જીવન પર આધારીત શ્રદ્ધા કપૂરની આગામી ફિલ્મ ‘ઈઠા’ તેનું ટીઝર રજૂ થતાં જ વિવાદમાં સપડાઈ છે. રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ(એનસીપી) તેમજ ફિલ્મ કલ્ચરલ વિભાગે ફિલ્મના નામ સામે વાંધો ઉઠાવતા દલીલ કરી છે કે તે વિઠાબાઈની વિરાસતને પૂરતુ સન્માન આપવામાં નિષ્ફળ નીવડી છે. જૂથે સૂચન કર્યું છે કે ફિલ્મનું નામ વિઠા અથવા વિઠાબાઈ રાખવામાં આવે.
આ માગણીને વિઠાબાઈના પુત્રો કૈલાશ અને રાજેશ નારાયણગાંવકર તેમજ પૌત્ર મોહિત નારાયણગાંવકર સહિત સમગ્ર પરિવારે ટેકો આપ્યો છે. એનસીપી નેતા બાબાસાહેબ પાટિલે જણાવ્યું કે પ્રસિદ્ધ લોક કલાકારની ગરિમા અને વિરાસત જાળવવી સામૂહિક જવાબદારી છે. અત્યાર સુધી દિગ્દર્શક લક્ષ્મણ ઉટેકર અને નિર્માતા મેડોક ફિલ્મ્સએ આ વાંધા વિશે કોઈ પ્રતિસાદ નથી આપ્યો.
ટીઝરમાં વિઠાબાઈના જીવનના સૌથી નાટયાત્મક પ્રકરણો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે જેમાં તેને ગર્ભાવસ્થા દરમ્યાન પરફોર્મ કરતી, સ્ટેજની પાછળ બાળકને જન્મ આપીને પાછી સ્ટેજ પર ફરતી દેખાડવામાં આવી છે. ફિલ્મમાં રણદીપ હૂડા અને મોહમ્મદ ઝીશાન અય્યુબ પણ છે. શ્રદ્ધાની આ ફિલ્મની રીલિઝના બે દિવસ પહેલાં જ યશની ‘ટોક્સિક’ તથા સિદ્ધાર્થ મલ્હોત્રાની ‘વી વન ‘ રીલિઝ થવાની હોવાથી આ ફિલ્મને કમર્શિઅલી પણ સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે.

