Amreli,
અમરેલી તાલુકાના વાંકિયા ગામમાં છેલ્લા કેટલાક સમયથી આતંક મચાવી રહેલા દીપડાને વન વિભાગે ભારે જહેમત બાદ સફળતાપૂર્વક પાંજરે પૂર્યો છે. દીપડો પકડાઈ જતાં જ સ્થાનિક ગ્રામજનો અને પશુપાલકોએ રાહતનો શ્વાસ લીધો છે.
મળતી વિગતો મુજબ, વાંકિયા ગામમાં રહેતા લાલજી અકબરીના રહેણાંક મકાનમાં ઘૂસીને દીપડાએ એક પશુનું મારણ કર્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ત્યારબાદ આ દીપડો ગામની મધ્યમાં આવેલા ખાલી પી.એચ.સી. (PHC) ક્વાર્ટરમાં ભરાઈ જતાં લોકો જીવ અધ્ધર થઈ ગયા હતા.
ગ્રામજનોએ આ અંગે તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોઈ વન વિભાગની ટીમ કાફલા સાથે તાબડતોબ સ્થળ પર દોડી આવી હતી અને દીપડાની હલચલ પર કડક નજર ગોઠવી દીધી હતી. અંતે વેટરનરી ડોક્ટરની મદદથી ગન દ્વારા દીપડાને ટ્રાન્કવીલાઈઝ (બેભાન) કરવામાં આવ્યો હતો અને તેને સુરક્ષિત રીતે પાંજરે પૂરવામાં આવ્યો હતો. વન વિભાગ દ્વારા દીપડાને વધુ તપાસ અને નિરીક્ષણ માટે ક્રાંકચ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે.
દીપડો પકડાયા બાદ વન વિભાગ દ્વારા વાંકિયા ગામે એક વિશેષ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વન અધિકારીઓએ ગ્રામજનોને સિંહ અને દીપડા જેવા વન્યજીવોના વર્તન અંગે સમજ આપી હતી અને ભવિષ્યમાં સુરક્ષિત રહેવા માટે કેટલીક સાવચેતીઓ રાખવા અપીલ કરી છે, જેમ કે…
•રાતના સમયે ગામ કે સીમ વિસ્તારમાં એકલા બહાર નીકળવાનું ટાળવું.
•તમામ પાલતુ પશુઓને ખુલ્લામાં બાંધવાને બદલે સુરક્ષિત વાડામાં રાખવા.
•ખેતર-વાડી વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય મજૂરોએ રાત્રે ખુલ્લામાં સૂવું નહીં.
•નાના બાળકોને રાત્રે પોતાની નજીક જ સુવડાવવા અને ઓરડીના બારી-બારણાં ચુસ્તપણે બંધ રાખવા.
•રાત્રિ દરમિયાન ખેતીકામ માટે જતી વખતે ફરજિયાત લાકડી અને ટોર્ચ (બેટરી) સાથે રાખવી.
•રાત્રે સૂતી વખતે કાળા ધાબળાનો ઉપયોગ ન કરવો, તેમજ પાલતુ પશુઓને પોતાની એકદમ નજીક ન સુવડાવવા.
•કોઈપણ વન્યપ્રાણી દેખાય તો ગભરાવાને બદલે તુરંત વન વિભાગનો સંપર્ક કરવો.

