પત્નીની મહિનાની આવક એક લાખ જ્યારે પતિની 60 હજાર છતાં રૂ. 1 લાખ ભરણપોષણ માગ્યું હતું
Bengaluru,તા.30
છૂટાછેડાના મામલાઓમાં પતિ દ્વારા પત્નીને આપવામાં આવતા ભરણપોષણને લઇને કર્ણાટક હાઇકોર્ટે કેટલીક સ્પષ્ટતા કરી છે. હાઇકોર્ટે કહ્યું છે કે જો મહિલા આર્થિક રીતે સક્ષમ હોય તો તેવા મામલામાં તે પતિ પાસેથી ભરણપોષણ માગવાની હકદાર નથી. હાઇકોર્ટે અન્ય કોર્ટોને પણ આવા કેસોમાં પત્નીની આર્થિક સ્થિતિ ચકાસવાની સલાહ આપી હતી.
કર્ણાટકના એક કપલના લગ્ન ૨૦૨૪માં થયા હતા, ૨૦૨૫માં પત્નીએ પતિ સામે ઘરેલુ હિંસાનો કેસ કર્યો હતો, બાદમાં બન્ને અલગ રહેવા લાગ્યા હતા. આ દરમિયાન પત્નીએ પતિ પાસેથી વચગાળાનું રૂપિયા ૧.૧૩ લાખ રૂપિયાનું માસિક ભરણપોષણ માગ્યું હતું. ટ્રાયલ કોર્ટે પતિને મહિને ૨૦ હજાર રૂપિયા પત્નીને આપવા આદેશ કર્યો હતો. બાદમાં પતિ દ્વારા આ આદેશ સામે હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. હાઇકોર્ટમાં પત્ની દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે તેના માતા પિતાએ લગ્ન માટે લોન લીધી હતી જેને ચુકવવાની જવાબદારી મારી છે.
જોકે હાઇકોર્ટના ન્યાયાધીશ ચિલ્લાકુર સુમલતાએ નોંધ્યું હતું કે લોન લીધી હોવાનું પત્ની સાબિત નથી કરી શકી, જોકે તેના સોગંદનામામાં પત્નીએ કહ્યું છે કે તેની માસિક આવક પતિ કરતા વધુ છે. એટલે કે મહિને આશરે એક લાખ રૂપિયા છે જેમાં તે પોતાનું ભરણપોષણ કરી શકે તેમ છે. બીજી તરફ પતિની માસિક આવક ૬૦ હજાર રૂપિયા છે જે પત્નીની આવક કરતા ઓછી છે. એવામાં ટ્રાયલ કોર્ટ પતિને મહિને ૨૦ હજાર રૂપિયા પત્નીને આપવા આદેશ ના કરી શકે. માત્ર મહિલા હોવાથી જ ભરણપોષણ મેળવવાનો અધિકાર નથી મળી જતો.
પત્નીની આર્થિક સ્થિતિ શું છે વગેરે પાસા પણ મહત્વના હોય છે. હાઇકોર્ટે હાલ આ મામલે ટ્રાયલ કોર્ટ દ્વારા ભરણપોષણ આપવા પતિને જે આદેશ કરાયો હતો તેને રદ કરી દેવામાં આવ્યો છે.

