Mumbai,તા.30
ફિફા વર્લ્ડ કપ 2026ના રોમાંચ વચ્ચે સ્લોવેનિયાના પ્રખ્યાત ફૂટબોલર લુકા મેજસેનનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ પોતાની પીઠ પર બનાવેલું ભગવાન શિવનું વિશાળ ટેટૂ અને મહામૃત્યુંજય મંત્ર બતાવતાં નજરે પડે છે.
ઇન્ટરનેટ પર ફૂટબોલ પ્રેમીઓ અને ભારતીય પ્રશંસકો વચ્ચે આ અનોખો વીડિયો ભારે ચર્ચાનો વિષય બન્યો છે, જેમાં રમતગમતની સાથે ભારતીય આધ્યાત્મિકતાનો સુંદર સમન્વય જોવા મળી રહ્યો છે.
લુકા મેજસેને ડિસેમ્બર 2024માં પોતાનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો હતો, જેમાં તેમણે લખ્યું હતું કે આ ટેટૂ તેમનાં માટે માત્ર એક ડિઝાઇન નથી પરંતુ ભારતમાં વિતાવેલી આધ્યાત્મિક યાત્રાનું પ્રતીક છે જેણે તેમનાં જીવનમાં મોટું પરિવર્તન લાવ્યું છે.
વર્ષ 2020થી ભારતીય ફૂટબોલ સાથે જોડાયેલા હોવાને કારણે તેઓ ભારતનાં વિવિધ શહેરોમાં રહ્યાં છે અને અહીંની સંસ્કૃતિને ખૂબ નજીકથી અનુભવી છે. ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મ તરફનાં આ ઊંડા લગાવને કારણે જ તેમણે પોતાની પીઠ પર આ પવિત્ર ટેટૂ બનાવ્યું છે.
આ વીડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર ભારતીય ચાહકોએ લુકા પર ઘણો પ્રેમ વરસાવ્યો છે. કમેન્ટ સેક્શનમાં હજારો લોકો `હર હર મહાદેવ’ લખીને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યાં છે.
વિદેશી ખેલાડીના આ સાદગીભર્યા અંદાજ તથા ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનાં સન્માનની દિલથી પ્રશંસા કરી રહ્યાં છે. વૈશ્વિક મંચ પર રમાઈ રહેલી ફૂટબોલ ટૂર્નામેન્ટની વચ્ચે આ વાયરલ વીડિયોએ કરોડો ભારતીય ફેન્સના દિલ જીતી લીધાં છે.

