Mumbai,તા.30
15 વર્ષીય ડાબોડી વિસ્ફોટક બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને આયર્લેન્ડ સામેની શ્રેણી માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો ત્યારે ક્રિકેટ જગતમાં ભારે ઉત્સાહ હતો. તમામ ક્રિકેટપ્રેમીઓ અને વિવેચકોને અપેક્ષા હતી કે આ પ્રવાસમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પદાર્પણ કરીને વૈભવ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો 36 વર્ષ જૂનો સૌથી નાની વયે ડેબ્યૂ કરવાનો રેકોર્ડ તોડશે.
જોકે, ભારતીય ટીમ મેનેજમેન્ટે તેને પ્લેઇંગ ઈલેવનમાં સ્થાન ન આપતાં ક્રિકેટ ચાહકોને ભારે નિરાશા સાંપડી હતી. બેલફાસ્ટમાં શ્રેણીની પહેલી મેચની પૂર્વસંધ્યાએ જ ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ સિતાંશુ કોટકે સ્પષ્ટ કરી દીધું હતું કે, કોઈ પણ ઇન-ફોર્મ બેટ્સમેનને ડ્રોપ કરીને વૈભવને તક આપવામાં આવશે નહીં.
પરિણામે ભારતીય ટીમને આયર્લેન્ડ સામે 0-2થી શ્રેણી ગુમાવવી પડી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં કોઈપણ ફોર્મેટમાં આયર્લેન્ડ સામે ભારતનો આ પહેલો પરાજય છે. આ શરમજનક હાર બાદ ભારતના પૂર્વ મહાન ઓપનર સુનીલ ગાવસ્કરે ટીમ મેનેજમેન્ટના આ નિર્ણયની આકરી આલોચના કરી છે.
ગાવસ્કરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, વૈભવને આ શ્રેણીમાં સરળતાથી તક આપી શકાઈ હોત, પરંતુ હવે મેનેજમેન્ટે આગામી ઈંગ્લેન્ડ સામેની શ્રેણીની પ્રથમ મેચથી જ તેને ટીમમાં સામેલ કરવો પડશે.
ભારતની કારમી હાર બાદ સુનિલ ગાવસ્કરે જણાવ્યું હતું કે, `આજની ટીમમાં બે નવા ખેલાડીઓ હતા. પ્રિન્સે ખૂબ જ પ્રભાવશાળી બોલિંગ કરી, તેણે ત્રણ વિકેટ ઝડપી અને છેલ્લી ઓવરમાં સિક્સર પણ ફટકારી. હું છેલ્લા એક મહિનાથી સતત કહી રહ્યો છું કે વૈભવ સૂર્યવંશીના વર્તમાન ફોર્મને જોતાં આયર્લેન્ડ સામેની બંને મેચમાં તેને અજમાવવો જોઈતો હતો.
ઓપનિંગ જોડીમાં પ્રયોગ કરીને એક મેચમાં અભિષેક શર્માની જગ્યાએ વૈભવ પાસે ઇનિંગની શરૂઆત કરાવી શકાઈ હોત. જ્યારે બીજી મેચમાં અભિષેકને ડ્રોપ કરીને અથવા સંજુ સેમસનને લોઅર ઓર્ડરમાં બેટિંગમાં મોકલીને વૈભવ માટે જગ્યા બનાવી શકાઈ હોત.’

