Mumbai,તા.30
ફિફા વર્લ્ડ કપ 2026ના નોકઆઉટ સ્ટેજનો રોમાંચ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. ટૂર્નામેન્ટના 18મા દિવસે રમાયેલી રાઉન્ડ ઓફ 32ની અત્યંત રોમાંચક મેચમાં કેનેડાએ છેલ્લી મિનિટોમાં ગોલ દાગીને દક્ષિણ આફ્રિકાને 1-0 થી હરાવી દીધું છે.
આ ઐતિહાસિક જીત સાથે કેનેડાએ પહેલીવાર વર્લ્ડ કપના અંતિમ-16 (રાઉન્ડ ઓફ 16)માં પોતાની જગ્યા પાકી કરી લીધી છે. બીજી તરફ, આજે ટૂર્નામેન્ટના 19મા દિવસે રાઉન્ડ ઓફ 32ના ત્રણ સૌથી મોટા સુપરહીટ મુકાબલાઓ થશે.
જેમાં બ્રાઝિલ, જર્મની અને નેધરલેન્ડ્સ જેવી ફૂટબોલ જગતની મહાસત્તાઓ ક્વાર્ટર ફાઇનલની રેસમાં આગળ વધવા માટે આમને-સામને ટકરાશે.
એઉસ્તાકિઓ છેલ્લી ઘડીએ કેનેડા માટે તારણહાર બન્યો
રાઉન્ડ ઓફ 32માં દક્ષિણ આફ્રિકા અને કેનેડા વચ્ચેનો આખો મુકાબલો શ્વાસ અધ્ધર કરી દેનારો રહ્યો હતો. બંને ટીમોએ ગોલ કરવા માટે અનેક આક્રમક મૂવ બનાવ્યાં હતાં, પરંતુ મજબૂત ડિફેન્સના કારણે કોઈ સફળતા મળતી નહોતી.
જ્યારે મેચ ડ્રો તરફ વધી રહી હતી, ત્યારે ઇન્જરી ટાઇમના અંતિમ સમયમાં (90+2 મિનિટે) કેનેડાના મિડફિલ્ડર સ્ટીફન એઉસ્તાકિઓએ ડી-બોક્સની બહારથી ઉછળતી બોલ પર એક એવો અદભુત અને પાવરફુલ શોટ લગાવ્યો કે બોલ સીધો ગોલપોસ્ટના નીચેનાં ખૂણામાં ધસી ગયો હતો.
આ એકમાત્ર ગોલના લીધે કેનેડાએ 1-0 થી મેચ જીતીને પ્રી-ક્વાર્ટર ફાઇનલની ટિકિટ મેળવી લીધી છે. હવે આગામી રાઉન્ડમાં કેનેડાનો સામનો આજે નેધરલેન્ડ્સ અને મોરોક્કો વચ્ચે રમાનારી મેચના વિજેતા સાથે થશે.
હારવા છતાં દક્ષિણ આફ્રિકાએ મજબૂત છાપ છોડી
દક્ષિણ આફ્રિકાની ટીમે મેચનાં પ્રથમ હાફમાં અદભુત તકો ઊભી કરી હતી, પરંતુ નબળાં ફિનિશિંગના કારણે તેઓ ગોલ નોંધાવવામાં નિષ્ફળ રહ્યાં હતાં. આફ્રિકાનાં ગોલકીપર રોનવેન વિલિયમ્સે પણ મેદાન પર શાનદાર બચાવ કરીને કેનેડાના સ્ટ્રાઇકરોને લાંબા સમય સુધી ગોલથી વંચિત રાખ્યાં હતાં.
જો કે, છેલ્લી મિનિટોમાં ટીમ પોતાનો ગોલ બચાવી શકી ન હતી. આ હાર છતાં, દક્ષિણ આફ્રિકાની ટીમે ઇતિહાસમાં પહેલીવાર વર્લ્ડ કપના નોકઆઉટ સ્ટેજ સુધી પહોંચીને ફૂટબોલ જગતમાં પોતાની એક મજબૂત ઓળખ ઊભી કરી છે.
આફ્રિકાનાં 74 વર્ષીય કોચે વર્લ્ડ કપમાં નવો રેકોર્ડ બનાવ્યો
દક્ષિણ આફ્રિકાનાં મુખ્ય કોચ હ્યુગો બ્રુસે આ મેચ સાથે જ ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં એક નવો રેકોર્ડ પોતાનાં નામે કરી લીધો છે. તેઓ 74 વર્ષ અને 79 દિવસની ઉંમરે વર્લ્ડ કપના નોકઆઉટ મુકાબલામાં કોઈ ટીમને કોચિંગ આપનારાં વિશ્વનાં સૌથી મોટી ઉંમરનાં કોચ બની ગયાં છે.
આ મામલે તેમણે ઉગ્વેના પૂર્વ કોચ ઓસ્કાર તબારેઝનો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જેમણે 2018ના વર્લ્ડ કપમાં 71 વર્ષની ઉંમરે નોકઆઉટ મેચમાં કોચિંગ આપ્યું હતું.
19માં દિવસની સુપરહીટ મેચોનું શિડ્યુઅલ
આજે વર્લ્ડ કપના 19મા દિવસે ત્રણ હાઈ-વોલ્ટેજ નોકઆઉટ મુકાબલા રમાશે. જેમાં પાંચ વખતની ચેમ્પિયન બ્રાઝિલનો સામનો એશિયાની સૌથી મજબૂત ટીમ જાપાન સામે થશે. જ્યારે બીજી મેચમાં ઇક્વાડોર સામે હારેલી જર્મનીની ટીમ પરાગ્વે સામે ઉતરશે. ત્રીજી મેચ નેધરલેન્ડ્સ અને મોરોક્કો વચ્ચે થશે, જેનો વિજેતા આગળ જતાં કેનેડા સામે ટકરાશે.

