Mumbai,તા.30
આયરલેન્ડ સામેની ટી20 સિરીઝમાં 15 વર્ષનાં યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને ડેબ્યૂ કરવાની તક ન મળતાં ફેન્સ અને પૂર્વ ક્રિકેટરોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. આયરલેન્ડ સામેની આ ઐતિહાસિક સિરીઝમાં ભારતને ક્લીન સ્વીપ (2-0થી હાર)નો સામનો કરવો પડ્યો હતો અને શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ હેઠળ ટીમની બેટિંગ નબળી સાબિત થઈ હતી. આ નબળાં પ્રદર્શન છતાં ફોર્મમાં ચાલી રહેલાં વૈભવને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન ન મળતાં મેનેજમેન્ટ સામે સવાલો ઉઠી રહ્યાં છે.
આ વિવાદ વચ્ચે ભારતીય ટીમનાં આસિસ્ટન્ટ કોચ રયાન ટેન ડોશેટે મેનેજમેન્ટના નિર્ણયનો બચાવ કર્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે વૈભવ સૂર્યવંશી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવા માટે સંપૂર્ણપણે તૈયાર છે, પરંતુ 15 વર્ષનાં આ યુવા ખેલાડીને ડેબ્યૂ કરાવવામાં ટીમ કોઈ ઉતાવળ કરવા માંગતી નથી.
તેમણે ઉમેર્યું કે ત્રણ મહિના પહેલાં જ ભારતને ટી20 વર્લ્ડ કપ 2026 જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર સંજુ સેમસન જેવા સિનિયર ખેલાડીને ટીમમાંથી બહાર બેસાડવો આસાન નિર્ણય નથી.
કોચે વધુમાં જણાવ્યું કે નવી શરૂઆત કરી રહેલી આ ટીમમાં મેનેજમેન્ટ વર્તમાન ખેલાડીઓને લાંબી તક આપીને તેમનો આત્મવિશ્વાસ વધારવા માંગે છે. વૈભવ ભલે ગમે તેટલો તૈયાર હોય અને દરેક વ્યક્તિ તેને મેદાન પર જોવા ઉત્સુક હોય, પરંતુ તેણે પણ અન્ય ખેલાડીઓની જેમ યોગ્ય પ્રોસેસમાંથી પસાર થવું પડશે. તેની કાબિલિયત પર કોઈ સવાલ નથી, પણ તેણે પોતાની તક આવે ત્યાં સુધી ધીરજ રાખીને રાહ જોવી પડશે.

