(નયના દવે દ્વારા)
Jamnagar તા.૩૦
Jamnagar શહેરના ન્યૂ ૮૦ ફૂટ રોડ વિસ્તારમાં દીકરી સાથે વાતચીત અને અભ્યાસમાં મદદ કરવાના મુદ્દે એક યુવક પર હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદના આધારે સિટી એ ડિવિઝન પોલીસે ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે.ફરિયાદ મુજબ પ્રણામી ટાઉનશીપ-૩, શેરી નં. ૧ ખાતે રહેતા અને અભ્યાસ કરતા જય દીપકભાઈ ગોહિલ (ઉંમર ૧૮) આરોપી દક્ષાબેન રાઠોડની દીકરી ને અભ્યાસમાં મદદ કરવા માટે તેમના ઘરે જતા હતા તેમજ તેની સાથે વાતચીત કરતા હતા. આ બાબતની જાણ દક્ષાબેન રાઠોડને થતાં તેમણે મનદુઃખ રાખ્યું હતું.ગત તા. ૨૮ જૂનના રોજ સાંજે આશરે ૫૩૦ વાગ્યે દક્ષાબેન રાઠોડે જય ગોહિલને પ્રણામી ટાઉનશીપ-૩ના ગાર્ડન પાસે બોલાવ્યો હતો. યુવક ત્યાં પહોંચતા દક્ષાબેન રાઠોડ, રાજ રાઠોડ અને અન્ય એક અજાણ્યા શખ્સે તેની સાથે ગાળાગાળી કરી બોલાચાલી શરૂ કરી હતી. ત્યારબાદ રાજ રાઠોડ અને તેના મિત્રએ યુવકને ઢીકાપાટુનો માર મારી શરીરે ઇજાઓ પહોંચાડી હતી.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે દક્ષાબેન રાઠોડે યુવકને ભવિષ્યમાં પોતાની દીકરી સાથે વાતચીત નહીં કરવા અને અન્યથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ અંગે જય દીપકભાઈ ગોહિલની ફરિયાદના આધારે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દક્ષાબેન રાઠોડ, રાજ રાઠોડ તથા એક અજાણ્યા શખ્સ સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩) અને ૫૪ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

