(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧
Jamnagarના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એક ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારી સામે રૂ. ૪,૪૪,૦૧,૧૦૪ની આર્થિક છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે આરોપી સામે અગાઉ પણ આર્થિક ગુનો નોંધાયો હતો અને તે હાલ જેલ હવાલે હોવાથી પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે તેનો કબજો મેળવી પૂછપરછ શરૂ કરી છે.
પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ નીતીનભાઈ રમેશભાઈ મેનપરા (ઉ.વ. ૩૬), રહે. નારાયણનગર, હરીયા કોલેજ પાછળ, જામનગરે જામનગરના આનંદભાઈ લીલાભાઈ મોઢવાડીયા, સંચાલક એ.એમ. મેટલ ઇન્ડસ્ટ્રીઝ, દરેડ જીઆઈડીસી સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૧૬(૨), ૩૧૬(૫) અને ૬૧(૨) હેઠળ ગુનો નોંધાવ્યો છે.
ફરિયાદ મુજબ આરોપીએ ફરિયાદી તથા અન્ય બે વેપારીઓ સાથે વ્યવસાયિક સંબંધો કેળવી વિશ્વાસમાં લીધા હતા. વેપાર દરમિયાન ફરિયાદીના લેણા પેટે બાકી નીકળતા રૂ. ૨,૦૪,૫૦,૭૨૩ની રકમ ચૂકવી નહોતી. ઉપરાંત જીતેન્દ્રભાઈ ગોવિંદભાઈ ડોબરિયા પાસેથી બ્રાસ સ્ક્રેપનો માલ આપવા માટે એડવાન્સ પેટે રૂ. ૨૫ લાખ લીધા હોવા છતાં માલ સપ્લાય કર્યો નહોતો.
આ ઉપરાંત દિનેશભાઈ વેજાણંદભાઈ કનારા પાસેથી વેપારી વ્યવહારોના રૂ. ૨,૧૪,૫૦,૯૮૧ બાકી રાખી કુલ રૂ. ૪,૪૪,૦૧,૧૦૪ની રકમની વ્યાપારીક નાણાકીય ઉચાપત અને વિશ્વાસઘાત કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. બાદમાં આરોપી પોતાના ધંધાના સ્થળ તેમજ રહેણાંકને તાળા મારી ફરાર થઈ ગયો હતો.આરોપી આનંદભાઈ મોઢવાડીયા સામે અગાઉ પણ સમાન પ્રકારનો ગુનો નોંધાયો હોવાનું અને તે ગુનામાં જેલ હવાલે કરાયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. હાલ આ ગુનાની તપાસ કરી રહેલા પંચકોશી બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. રાઠોડની ટીમે જામનગર જિલ્લા જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે આરોપીનો કબજો મેળવી વધુ પૂછપરછ શરૂ કરી છે.પોલીસ દ્વારા સમગ્ર નાણાકીય વ્યવહારો, અન્ય સંભવિત ભોગ બનનારાઓ તેમજ આર્થિક ગેરરીતિના પાસાઓ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

