પેરિસ ખાતે લા સિનેમાથેક ળોન્સેમાં યોજાયેલા વિશેષ કાર્યક્રમ દરમિયાન રાજામૌલીએ ફિલ્મ‘વારાણસી’ની પ્રથમ ઝલક રજૂ કરી હતી
Mumbai, તા.૩૦
એસ.એસ. રાજામૌલી ફરી એકવાર પોતાનાં આગામી મેગા પ્રોજેક્ટ ‘વારાણસી’ સાથે સિનેમાના માપદંડોને નવી ઊંચાઈએ લઈ જવા તૈયાર છે. મહેશબાબુ, પ્રિયંકા ચોપરા અને પૃથ્વીરાજ સુકુમારનની આ ફિલ્મનું આગામી શેડ્યૂલ ૭ જુલાઈથી હૈદરાબાદમાં શરૂ થવાનું છે, જેમાં ફિલ્મનાં સૌથી વિશાળ અને પડકારજનક યુદ્ધનાં દૃશ્યનું શૂટ કરવામાં આવશે.અહેવાલો મુજબ, આ ભવ્ય યુદ્ધ સિક્વન્સમાં મહેશ બાબુ સાથે આશરે ૩,૫૦૦ જુનિયર આર્ટિસ્ટ્સ પણ જોડાશે. આ દૃશ્યનું સફળતાપૂર્વક શૂટ કરવા માટે નિર્માતા ટીમ છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી વિશેષ તૈયારીઓમાં વ્યસ્ત છે. રાજામૌલીની અગાઉની ફિલ્મો બહુબલી, બાહુબલી ૨માં જોવા મળેલી ભવ્યતા કરતાં પણ આ સિક્વન્સ વધુ વિશાળ હોવાનું કહેવાઈ રહ્યું છે.તાજેતરમાં પેરિસ ખાતે લા સિનેમાથેક ળોન્સેમાં યોજાયેલા વિશેષ કાર્યક્રમ દરમિયાન રાજામૌલીએ ફિલ્મ‘વારાણસી’ની પ્રથમ ઝલક રજૂ કરી હતી. યુરોપિયન દર્શકો સમક્ષ પ્રથમ વખત રજૂ કરાયેલી આ ફૂટેજને જોરદાર તાળીઓ અને પ્રશંસા મળી હતી, જેના કારણે ફિલ્મ પ્રત્યેની ઉત્સુકતા વધી ગઈ છે.હૈદરાબાદમાં શૂટ થનારા આ યુદ્ધ સિક્વન્સની સૌથી મોટી ખાસિયત તેનો પોસ્ટ-પ્રોડક્શન સ્કેલ હશે. સેટ પર હાજર ૩,૫૦૦ કલાકારોને અદ્યતન ટેન્કોલોજીની મદદથી ડિજિટલી વધારીને લગભગ ૫૦,૦૦૦ ‘વાનરો’ની વિશાળ સેનામાં રૂપાંતરિત કરવામાં આવશે. ફિલ્મ સાથે સંકળાયેલા સુત્રોના જણાવ્યા અનુસાર, નિર્માતા ટીમ ભારતીય સિનેમાના ઇતિહાસનું સૌથી વિશાળ યુદ્ધ દૃશ્ય સર્જવાનો પ્રયાસ કરી રહી છે. જો આ યોજના સફળ થશે તો ‘વારાણસી’ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને ભવ્યતાનો નવો રેકોર્ડ સ્થાપિત કરી શકે છે. ‘વારાણસી’ એક મેગા-બજેટ પૌરાણિક એક્શન-એડવેન્ચર ફિલ્મ તરીકે તૈયાર થઈ રહી છે. ફિલ્મની વાર્તા વિવિધ સમયરેખાઓમાં પ્રવાસ કરતા નાયકના રોમાંચક સાહસો પર આધારિત હોવાનું કહેવાય છે. મહેશ બાબુ, પ્રિયંકા ચોપરા અને પૃથ્વીરાજ સુકુમારન જેવા દિગ્ગજ કલાકારોની હાજરી ફિલ્મને વધુ ભવ્ય બનાવે છે. આ ફિલ્મ એપ્રિલ ૨૦૨૭ અથવા ઉત્તરાયણ આસપાસ રિલીઝ થવાની શક્યતા છે.

