એક્ટર વિક્રાંત મેસીએ બોલિવૂડની ઓડિશન પ્રક્રિયા અને કાસ્ટિંગ કલ્ચર અંગે પોતાના અનુભવો શેર કર્યા
Mumbai, તા.૩૦
જાણીતા એક્ટર વિક્રાંત મેસીએ બોલિવૂડની ઓડિશન પ્રક્રિયા અને કાસ્ટિંગ કલ્ચર અંગે પોતાના અનુભવો શેર કર્યા છે. તેણે કહ્યું કે ઇન્ડસ્ટ્રીમાં શરૂઆતનાં વર્ષોમાં તેને અનેક વખત નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ એ જ અનુભવો તેને વધુ સારો એક્ટર બનવામાં મદદરૂપ થયા છે. બેંગલુરુમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાનવિક્રાંતે કાસ્ટિંગ ડિરેક્ટર્સ અને કાસ્ટિંગ આસિસ્ટન્ટ્સ વિશે સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કરતાં કહ્યું, “મોટાભાગનાં કાસ્ટિંગ ડિરેક્ટર્સ અને કાસ્ટિંગ આસિસ્ટન્ટ્સ પોતે નિષ્ફળ અથવા સ્ટ્રગલિંગ એક્ટર્સ હોય છે. ‘નિષ્ફળ’ શબ્દ કદાચ યોગ્ય નથી, પરંતુ તેઓ એવા કલાકારો છે, જેઓ પોતાની ક્ષમતાને સંપૂર્ણ રીતે સાકાર કરી શક્યા નથી.”વિક્રાંતે જણાવ્યું કે ઘણા લોકો આ કામ માત્ર રોજગાર માટે કરે છે, પરંતુ કેટલાક લોકો પોતાની નિરાશા ઓડિશન રૂમમાં પણ વ્યક્ત કરતા હોય છે. તેણે કહ્યું, “ઘણા લોકો પરિવાર ચલાવવા માટે આ નોકરી કરે છે, પરંતુ તેમની અંદર ક્યાંક કડવાશ પણ હોય છે. દરેક કાસ્ટિંગ આસિસ્ટન્ટ તમને એક્ટિંગ શીખવવાનો પ્રયાસ કરે છે. તેઓ કેમેરા પાછળ ઊભા રહીને તમને પોતાની રીતે અભિનય કરાવવા માંગે છે, પછી ભલે તમે સારી તૈયારી સાથે આવ્યા હોય.”વિક્રાંતે ઉમેર્યું કે કારકિર્દીનાં શરુઆતનાં તબક્કામાં તેણે ઓડિશન વખતે સીધી જ દિગ્દર્શકની હાજરીની માંગ કરવાનું શરૂ કર્યું હતું. “પછીના સમયમાં હું દિગ્દર્શકને વિનંતી કરતો હતો કે તેઓ પોતે ઓડિશનમાં હાજર રહે.”વિક્રાંતે ઓડિશનની વાસ્તવિકતા વિશે પણ વાત કરતાં જણાવ્યું કે ઘણી વખત કલાકાર સારું ઓડિશન આપે છે છતાં તેને રોલ મળતો નથી. તેણે કહ્યું, “ક્યારેક તમારું ઓડિશન ખુબ સારું હોય છે, છતાં તમને રોલ મળતો નથી. તમારું ઓડિશન માત્ર બીજા કલાકારો માટે રેફરન્સ તરીકે ઉપયોગમાં લેવાય છે. ત્યારે મનમાં પ્રશ્ન થાય કે જો હું સારો હતો તો મારી પસંદગી કેમ ન થઈ?”વિક્રાંતે સ્વીકાર્યું કે શરૂઆતમાં તેને અનેક વખત વી નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આજે તે એ અનુભવોને પોતાની સફળતાનો મહત્વનો ભાગ માને છે.તેણે જણાવ્યું, “મને ઘણી વખત રિજેક્શન મળ્યાં. પરંતુ આજે હું એ તમામ કાસ્ટિંગ આસિસ્ટન્ટ્સનો આભાર માનું છું. તેમનાં કારણે જ મારી અંદર વધુ સારું કરવાની આગ પ્રજ્વલિત થઈ. જીવનમાં અસ્વીકાર પણ એક મહત્વનો ભાગ છે.”

