અમદાવાદ,તા.૩૦
લાંબા સમયની રાહ જોવડાવ્યા બાદ આખરે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. મોડી રાતથી જ સુરત, નવસારી, તાપી અને ભરૂચ જિલ્લામાં Rain માહોલ છવાઈ ગયો છે, જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ભારે ઉકળાટમાંથી રાહત મળી છે. આગામી ૨ દિવસમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુજરાતના વધુ કેટલાક ભાગોમાં આગળ વધશે. ત્યારબાદના ૨-૩ દિવસમાં તે બાકીના સમગ્ર ગુજરાતને આવરી લેશે. આ સાથે જ, ૦૨ જુલાઈથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થવાની સંભાવના છે.
સુરતમાં છેલ્લા ૧૫ દિવસની લાંબી રાહ જોયા બાદ મોડી રાતથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ સાથે ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે. સુરત શહેરમાં ગત રાત્રે ૧૦ વાગ્યા બાદ શરૂ થયેલા વરસાદે વિધિવત ચોમાસાનું આગમન કરાવ્યું છે. જહાંગીરપુરા, અડાજણ, પાલ, ઉધના અને લિંબાયત સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા સુરતીલાલાઓમાં ખુશીની લહેર જોવા મળી હતી. જોકે, આ ખુશી થોડી જ વારમાં મુશ્કેલીમાં બદલાઈ ગઈ હતી. પ્રથમ વરસાદમાં જ સુરત મહાનગરપાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાનિંગની પોલ ખૂલી ગઈ છે. ડ્રેનેજ લાઈનો બ્લોક હોવાને કારણે ઉધનાના ભીમનગર ગરનાળા અને લિંબાયત ગરનાળામાં કેડસમા પાણી ભરાઈ ગયા હતા.
ગરનાળા ’સ્વિમિંગ પૂલ’ જેવા બની જતા વાહનચાલકો અટવાઈ ગયા હતા. અનેક વાહનો પાણીમાં બંધ પડી ગયા હતા, જેના કારણે શાળા-કોલેજ અને નોકરીએ જતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરાછાની ઈશ્વર કૃપા સોસાયટીમાં ભારે વરસાદને પગલે એક ઝાડ ધરાશાયી થયું હતું. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી અને ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રસ્તો સાફ કર્યો હતો.
જહાંગીરપુરા, અડાજન અને પાલ સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડતાં લોકોને અસહ્ય બફારામાંથી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જોકે, આ પ્રથમ ધોધમાર વરસાદે જ સુરત મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી નાખી છે. શહેરના ઉધના-નવસારી રોડ જેવા વ્યસ્ત માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં રસ્તાઓ સરોવરમાં ફેરવાઈ ગયા છે.
નવસારી જિલ્લામાં વરસાદી ઝાપટા પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ડાંગરની રોપણી માટે આશા જન્મી છે. ભરૂચના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતના ૩૩ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સુરત શહેરમાં ૨.૫ ઈંચ, માંગરોળ અને કામરેજમાં પોણા ૨ ઈંચ, જ્યારે પલસાણા અને ઉમરગામમાં ૧ થી ૧.૫ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. વધુમાં, ૩ થી ૬ જુલાઈ દરમિયાન વરસાદ તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે, જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

