ચામુંડા માતાજીના પૂનમના દર્શન કરી પરત ફરતી વેળાએ દંપતિને નડ્યો અકસ્માત, પરિવારમાં શોક
Rajkot,તા.30
ચામુંડા માતાજીના દર્શન અને પૂનમ ભરીને મોટરસાયકલ પર પરત ફરી રહેલા દંપતીને ચોટીલા-જસદણ રોડ પર આણંદપર ચોકડી પાસે બાઇક આડે રોજડું (નીલગાય) આડે ઉતરતા અકસ્માત નડ્યો હતો. બાઇક સ્લીપ થઈ જતાં ગંભીર રીતે ઘવાયેલા પતિનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે પત્નીને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે.પ્રાપ્ત વિગત મુજબ, જસદણ તાલુકાના રામવાડી વિસ્તારમાં રહેતા રમેશભાઈ વરતાભાઈ મીઠાપરા (ઉં.વ. ૫૦) ગઈકાલે પોતાની પત્ની શોભનાબેન સાથે મોટરસાયકલ લઈને ચોટીલા પૂનમ ભરવા અને દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને બંને પરત ઘરે આવી રહ્યા હતા, ત્યારે સાંજે ૭:૦૦ વાગ્યાની આસપાસ ચોટીલા-જસદણ રોડ નજીક અચાનક એક રોજડું દોડીને મોટરસાયકલ આડે આવી ગયું હતું. રોજડું અથડાતાં જ રમેશભાઈએ બાઇક પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બાઇક સ્લીપ થઈ ગયું હતું. બાઇક પરથી પટકાતાં જ રમેશભાઈ અને તેમના પત્ની શોભનાબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત દંપતીને ૧૦૮ મારફતે તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા રમેશભાઈ મીઠાપરાએ ચાલુ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. જ્યારે તેમના પત્ની શોભનાબેનને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતક રમેશભાઈ ખેતીકામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. તેઓ બે ભાઈ અને એક બહેનમાં સૌથી નાના હતા. સંતાનમાં તેમને એક પરણેલો દીકરો અને કુવારી દીકરી છે. ચોટીલા માતાજીના દર્શન કરીને ઘરે પાછા ફરતી વખતે જ કાળ આંબી જતાં કોળી પરિવારનો મોભી છીનવાયો છે અને સમગ્ર રામવાડી વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે. પોલીસે આ અંગે જરૂરી કાગળો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

